Patan LokSabha Lost: લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે, કેન્દ્રમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળ પણ રચાઇ ગયુ છે, પરંતુ હજુ પણ હાર જીતના પડઘા નેતાઓના મનમાં પડી રહ્યાં છે. હાલમાં જ પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસને નજીકના અંતરેથી મળેલી હાર પર મંથન અટકવાનું નામ નથી લઇ રહ્યું. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે હવે દુઃખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. તેમને કહ્યું કે, અહીંથી ભાજપને મોટી લીડ મળી અને ચંદનજી ઠાકોર હારી ગયા હતા. 


પાટણ લોકસભ પર કાઉન્ટિંગ ડેના દિવસે જબરદસ્ત રસાકસી જામી હતી, કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લીડ લેવામાં આગળ પાછળ થતાં હતા. પરંતુ અંતે ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 5,91,947 મતો સાથે એટલે કે માત્ર 31,876ના મતોની લીડથી જીત્યા હતા, વળી, કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા હતા. પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો હતો, પરંતુ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હારની જવાબદારી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે સ્વીકારી છે. 


આજે ચાણસ્માના કોંગ્રેસના MLA દિનેશ ઠાકોરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને એક લખ્યો પત્ર લખ્યો છે, અને પત્રમાં દુઃખ સાથે હારની જવાબદારી સ્વિકારી છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહને પત્ર લખ્યો જેમાં ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાંથી ઓછા મત મળવાની વાત સ્વિકારી છે. તેમને સ્વિકાર્યુ છે કે, હું અહીંથી લીડ ના અપાવી શક્યો અને પાર્ટીને બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, તેનું મને દુઃખ છે. લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરે અમને પૂરતો સહકાર આપ્યો હતો, ચંદનજી તરફથી કોઈ પણ ઉણપ ના હતી રહી. પક્ષે મારા પર જે કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચાણસ્મા વિધાનસભાથી ભાજપને 27,269 મતોની લીડ મળી હતી, જે હારનું કારણ બની હતી.




જાણો કોણ છે ચંદનજી ઠાકોર
ચંદનજી ઠાકોર ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા. લોકસભાની પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર વ્યવસાયે ખેતી અને બિલ્ડર છે. આ સાથે તેમની ધર્મ પત્નિ પણ તેમના વ્યવસાય સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોરનો જન્મ 01 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.