દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અભિનંદન પ્રાપ્ત કરવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. વડાપ્રધાને ગુરુવારે રાત્રે ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત પર અભિનંદન પાઠવ્યા હતા.


મોદીએ ટ્વીટ કર્યું હતું કે પંજાબ ચૂંટણીમાં જીત માટે આમ આદમી પાર્ટીને અભિનંદન. હું પંજાબના કલ્યાણ માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપું છું." વડાપ્રધાનના આ ટ્વિટનો જવાબ આપતા કેજરીવાલે લખ્યું, "આભાર સર."






 


પંજાબમાં AAPએ કુલ 92 સીટો જીતી છે
ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ગુરુવારે યોજાયેલી મત ગણતરીમાં રાજ્યની વિધાનસભાની 117 બેઠકોમાંથી 92 બેઠકો જીતી, કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ-BSP ગઠબંધનને ઘણું પાછળ છોડી દીધું.


AAPના ઉમેદવારોએ ઘણા મોટા ચહેરાઓને હરાવ્યા
આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, શિરોમણી અકાલી દળ (SAD)ના દિગ્ગજ નેતા પ્રકાશ સિંહ બાદલ, તેમના પુત્ર સુખબીર સિંહ બાદલ અને પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ જેવા મોટા નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. AAPએ રાજ્યમાં ત્રણ-ચતુર્થાંશ બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 18, SAD 3, BJP 2 અને બહુજન સમાજ પાર્ટીએ 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. એક અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીત્યો છે.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ મુખ્યમંત્રીપદેથી આપ્યું રાજીનામું 
પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ભદૌર અને ચમકૌર બે બેઠક પર ચૂંટણી લડયા હતા અને બંને બેઠક પરથી ચૂંટણી હારી ગયા. ચરણજીતસિંહ ચન્નીએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલને મળી પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું છે.