Telangana Election 2023 News: તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં રાજકારણના અનેક પ્રકાર જોવા મળી રહ્યા છે. જ્યુબિલી હિલ્સ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન વિરુદ્ધ અહીં ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા ચાર કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસ નોંધાયા બાદ કોંગ્રેસ અને અઝહરુદ્દીનની ચિંતા વધી ગઈ છે.  તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.


શું છે મામલો


અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ભંડોળના દુરુપયોગનો આરોપ છે. રાચકોંડા પોલીસે અઝહરુદ્દીન સહિત HCAના પદાધિકારીઓ અને ભૂતકાળના સભ્યો સામે ચાર કેસ નોંધ્યા છે. હવે અઝહરુદ્દીને તેની સામે નોંધાયેલા ચારેય કેસમાં જામીન માટે મલ્કાજગીરી કોર્ટનો સંપર્ક કર્યો છે.


અઝહરુદ્દીને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા  


ગયા મહિને જ્યારે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે અઝહરુદ્દીને આ આરોપો પર કહ્યું હતું કે, મારા પ્રતિસ્પર્ધીઓ દ્વારા મારી છબી ખરાબ કરવા માટે આ એક ચૂંટણી સ્ટંટ છે. અઝહરુદ્દીને આ મામલે લખ્યું કે આ પ્રેરિત આરોપો છે. હું આ આરોપો સાથે કોઈપણ રીતે જોડાયેલો નથી. જ્યારે સમય આવશે ત્યારે હું વધુ જવાબ આપીશ. આ મારા પ્રતિસ્પર્ધીઓ દ્વારા મારી છબીને કલંકિત કરવાનો સ્ટંટ છે, પરંતુ અમે તેનાથી કમજોર થઈશું નહીં.અમે વધુ મજબૂત રહીશું અને વધુ સખત લડીશું.


જ્યુબિલી હિલ્સ સીટ પર કાંટાની ટક્કર


કોંગ્રેસે જ્યુબિલી હિલ્સ સીટ પરથી અઝહરુદ્દીનને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. હાલમાં અહીંથી BRSના માગંતી ગોપીનાથ ઉભા છે, જે વર્તમાન ધારાસભ્ય છે. તેઓ એક મજબૂત કમ્મા નેતા છે, જે ચૂંટણી પહેલાથી જ તેમના સમર્થકો સાથે જોડાયેલા છે. જુબિલી હિલ્સ અગાઉ ખૈરતાબાદ વિધાનસભા બેઠકનો ભાગ હતો. ત્યારે ખૈરતાબાદ લગભગ છ લાખ મતો સાથે રાજ્યનું સૌથી મોટું વિધાનસભા ક્ષેત્ર બની ગયું હતું. 2002 માં સીમાંકન પછી, ખૈરતાબાદને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, બીજા ભાગને જ્યુબિલી હિલ્સ વિધાનસભા મતવિસ્તાર કહેવામાં આવતું હતું. આ વિસ્તારમાં મોટી લઘુમતી વસ્તી સાથે મિશ્ર વસ્તી છે. જ્યુબિલી હિલ્સ મતવિસ્તારમાં મતદારોની સંખ્યા 3,70,000 છે. આમાં મુસ્લિમ મતદારોની સંખ્યા 98,000 આસપાસ છે. ખ્રિસ્તી મતદારો 30,000 છે. SC અને ST મતદારોની સંખ્યા 28,000 અને OBC મતદારોની સંખ્યા 24,000 છે. આ ઉપરાંત રેડ્ડી અને કમ્મા સમુદાયના મતદારો પણ અહીં છે.