UP Elections 2022: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 50 ટકા જેટલું વોટિંગ થયું છે. આ દરમિયાન કાનપુરના મેયર પ્રેમિલા પાંડેને મતદાનની ગોપનીયતાનો ભંગ કરવા બદલ નિયમો અનુસાર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ડીએમએ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, મેયર પાંડેએ ઈવીએમમાં ​​વોટિંગ કરતી વખતે પોતાની તસવીર શેર કરી હતી. આ અંગે કાનપુરના જિલ્લા ચૂંટણી અધિકારી નેહા શર્માએ જણાવ્યું હતું કે પાંડેને શહેરના હડસન સ્કૂલ પોલિંગ સ્ટેશન પર મતદાનની ગુપ્તતાનો ભંગ કરવાની માહિતી મળી છે. આ અંગે ચૂંટણીના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


પાંડેએ મતદારોને ચૂંટણીના નિયમોનું પાલન કરવા અને મતદાન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે મતદાન કરતી વખતે ઈવીએમની તસવીરો લેવી એ ચૂંટણીના નિયમોની વિરુદ્ધ છે.


કોનું ભાવિ થશે કેદ


દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશમાં રવિવારે ત્રીજા તબક્કા હેઠળ કન્નૌજ, ઈટાવા, ઓરૈયા, હાથરસ સહિત 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે મતદાનમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રીય મંત્રી એસ.પી. સિંહ બઘેલ, શિવપાલ સિંહ યાદવ, યોગી સરકારના મંત્રી સતીશ મહાના, નીલિમા કટિયાર, રામ નરેશ અગ્નિહોત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદનાં પત્ની લુઈસ ખુરશીદ જેવા દિગ્ગજોના ભાવી સીલ થશે.


 2017માં શું સ્થિતિ હતી?


વર્ષ 2017માં, ત્રીજા તબક્કામાં ભાજપે 59માંથી 49 બેઠકો જીતી હતી, જ્યારે સપાને માત્ર નવ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસને એક સીટ મળી છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીને એક પણ સીટ મળી નથી. પ્રથમ તબક્કામાં 58 બેઠકો પર 10 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ 55 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં સાત તબક્કાની વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે 7 માર્ચે મતદાન થશે. પરિણામ 10 માર્ચે આવશે.