ફિલ્મની જાહેરાતને લઈને લખવામાં આવ્યું છે કે, આવો સાથે મળીને ભારતના પુત્રો અને તેમની હિંમતને ટ્રિબ્યુટ આપીએ. એક સ્ટોરી જે ઇન્ડિયન એર ફોર્સની સફળતાને ઉજવે છે. આ ફિલ્મને ‘કેદારનાથ’ ફેમ ડિરેક્ટર અભિષેક કપૂર લખશે અને ડિરેક્ટ કરશે.
ભૂષણ કુમારે કહ્યું કે ટી-સીરીઝ માટે આવતા વર્ષે આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે કારણ કે આ પ્રોજેક્ટ સાથે તેમની લાગણી જોડાયેલી છે. તેમણે કહ્યું, “મને ભારતીય વાયુસેનાની વીરતા દેખાડવામાં ગર્વ થશે. વિંગ કમાન્ડર અભિનંદન આપણા નેશનલ હીરો છે. બાલાકોટ એરસ્ટ્રાઈકની ઘટના આપણા રાષ્ટ્રીય ગર્વનો વિષય છે.”
ડાયરેક્ટર અભિષેક કપૂરે પોતાની લાગણી જાહેર કરતા કહ્યું, “ભારતના ઈતિહાસની સૌથી વીરતા પૂર્ણ ઘટનામાંથી એક બાલાકોટ એરસ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવાની જવાબદારી મને સોંપાઈ તે માટે હું સન્માનિત અનુભવું છું. મને યાદ છે કે આ ઘટના ઘટી ત્યારે સમગ્ર દેશની લાગણી કેવી હતી. હું ફિલ્મની સ્ટોરી સાથે પૂરેપૂરો ન્યાય કરીશ.”
પુલવામા હુમલામાં થયેલ 40 જવાનોના મૃત્યુનો વળતો જવાબ આપવા 26 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે બાલકોટ એરસ્ટ્રાઇક ઇન્ડિયન એર ફોર્સ દ્વારા કરવામાં આવી હતી. ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જઈને બાલાકોટ પર બોમ્બમારો કર્યો હતો. આતંકવાદીઓના અડ્ડા પર સતત બોમ્બ ફેંકીને આ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તેના જવાબમાં પાકિસ્તાન એરફોર્સે હુમલો પણ કર્યો હતો.