આસામ: ગુવાહાટીમાં 65માં એમેઝોન ફિલ્મફેર એવોર્ડ્સ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બોય ’છવાઈ ગઈ હતી. આ ફિલ્મ 13 કેટેગરીઝમાં નોમિનેટ થઈ હતી. જેમાંથી 10 એવોર્ડ આ ફિલ્મે પોતાના નામે કર્યા છે. બોલિવૂડના આ સૌથી મોટા એવોર્ડ ફંક્શનમાં વિક્કી કૌશલ, વરુણ ધવન અને કરણ જોહર જેવી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી.

 
રણવીર સિંહ અને આલિયા ભટ્ટને ફિલ્મ ‘ગલી બોય’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. તે સિવાય અન્ય કેટેગરીમાં પણ એવોર્ડ મળ્યા છે. ઝોયા અખ્તરને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. જ્યારે સિદ્ધાંત ચતુર્વેદી અને અમૃતા સુભાષને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગલી બૉયની ઓસ્કારમાં પણ એન્ટ્રી થઈ હતી.


સ્ટૂડેન્ટ ઑફ ધ યર 2 અને ‘પતિ પત્ની ઔર વો’ માટે અનન્યા પાંડેને બેસ્ટ ડેબ્યૂ ફીમેલ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અભિમન્યુ દાસાનીને ‘મર્દ કો ડર નહીં લગતા’ માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટર મેલ નો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેની સાથે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ માટે આધિત્ય ધારને બેસ્ટ ડેબ્યૂ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે.


ફિલ્મફેર અવોર્ડ્સમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુને ‘સાંડ કી આંખ’ માટે સર્વશ્રેષ્ઠ એક્ટર ફીમેલ ક્રિટિક્સ એવોર્ડથી સન્માનિ કરવામાં આવ્યા છે. સર્વશ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ)માં ‘સોનચિડિયા’ અને ‘આર્ટિકલ 15’એ પોતાનું સ્થાન બનાવ્યું છે. ફિલ્મ આર્ટિકલ માટે અનુભવ સિન્હા અને ગૌરવ સૌલંકીને સર્વશ્રેષ્ઠ ઓરિજિનલ સ્ટોરી એવોર્ડ આપવામાં આવ્યો છે.


આયુષ્માન ખુરાનાએ ‘આર્ટિકલ 15’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા મેલ ક્રિટિક્સ એવોર્ડ પોતાના નામે કર્યો છે. ફિલ્મ વૉરનું સોંગ ઘુંઘરુ માટે શિલ્પા રાવને બેસ્ટ પ્લે બેક સિંગર ફીમેલ એવોર્ડથી સન્માનિત કરાયા છે. જ્યારે ફિલ્મ કલંક માટે અરિજિત સિંહને બેસ્ટ પ્લેબેક સિંગર મેલનો એવોર્ડ આપવામાં આવ્યો છે .