ABP Ideas of India: ફિલ્મમેકર અને ડાયરેક્ટર કરણ જોહર આજે આઈડિયાઝ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કરણ જોહરે ફિલ્મ જગત વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કરણ જોહરે કોરોના મહામારી બાદની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્થિતિ અને ભવિષ્યમાં OTT પ્લેટફોર્મની કામગીરી અંગે વાતચીત કરી હતી. આ સાથે કરણ જોહરે સાઉથની ફિલ્મો અંગે પણ પોતાનો મત રજૂ કર્યો હતો.


બોલીવૂડ અને ટેલીવૂડના બદલે આ શબ્દ આપ્યોઃ
કરણ જોહરે કહ્યું કે, હવે ભારતીય ફિલ્મ ઉદ્યોગને બોલિવૂડ કહેવાનું બંધ કરવું જોઈએ અને આ હોલીવુડના આધારે બનેલો શબ્દ છે, જે બોમ્બેને જોડીને બોલિવૂડ બન્યું. હવે તેનું નામ "ભારતીય ફિલ્મ ઉદ્યોગ" (Indian Film Industry) હોવું જોઈએ કારણ કે તેમાં તમામ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મો સામેલ છે અને તેનું ઉદાહરણ 'પુષ્પા' જેવી ફિલ્મોમાંથી જોઈ શકાય છે. રાજામૌલી આ ક્ષણે સ્પષ્ટપણે સૌથી મોટા ભારતીય ફિલ્મ નિર્માતા છે અને તેમની પાસેથી આ બિરુદ કોઈ છીનવી શકે નહીં.


કરણ જોહરે 'કુછ કુછ હોતા હૈ' વિશે શું કહ્યુંઃ
કરણ જોહરે કહ્યું કે 'કુછ કુછ હોતા હૈ'માં તેણે તે તમામ ફિલ્મોની અસરનો ઉપયોગ કર્યો જે તે બાળપણથી જોતો આવ્યો હતો. તેણે એ ફિલ્મ દિલથી બનાવી અને ખૂબ પ્રેમથી બનાવી. ખાસ કરીને યુવાનોને તે ફિલ્મ ગમી અને આ એક એવી ફિલ્મ હતી જેના વિશે તેઓ જાહેરમાં કહી શકે કે આ તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.


OTT પર કરણ જોહરનું મંતવ્યઃ
કરણ જોહરે કહ્યું કે, ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવાનું મુખ્ય કારણ કોવિડ મહામારી ઉભા થયેલા સંજોગો હતા અને તેના કારણે ફિલ્મ નિર્માતાઓએ ઘણા નિર્ણયો બદલવા પડ્યા હતા. શેરશાહ ઓગસ્ટમાં આવી હતી જ્યારે કોવિડની અસર ખૂબ જ વધારે હતી. તેમ છતાં ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું જે દર્શાવે છે કે, સિનેમાઘરોમાં ન આવવા છતાં ફિલ્મો માટે જગ્યા છે. જો પરિસ્થિતિ અનુકૂળ હોત તો તે ચોક્કસપણે તેને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવોત પરંતુ તેમ થઈ શક્યું નહીં. શેરશાહ ચોક્કસપણે મોટા પડદા માટે બનાવેલી ફિલ્મ હતી પરંતુ ગહેરાઈયાં સાથે એવું નહોતું. ગહેરાઈયાં એક એવી ફિલ્મ હતી જે ઘરે બેસીને પ્રિયજનો સાથે આરામથી જોઈ શકાય છે.


2022 વિશે કરણ જોહરે વાત કરીઃ
વર્ષ 2022 એક એવું વર્ષ છે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઘણા બદલાવ લઈને આવી રહ્યું છે. આ માટે પડકારો આવી રહ્યા નથી તેવું કહેવું યોગ્ય નથી. તમારે એ પણ સ્વીકારવું પડશે કે એમેઝોન જેવા OTT પ્લેટફોર્મ પર ફિલ્મો સફળ થઈ રહી છે અને લોકોને તેના દ્વારા સારું કન્ટેન્ટ જોવા માટે મળી રહ્યું છે. આપણે નવી પરિસ્થિતિઓને સમજવી પડશે અને તેમાં પોતાની જાતને અનુકૂળ બનાવવી પડશે.