Mumbai:જુહુમાં દિગ્ગજ અભિનેતા દેવાનંદના બંગલાને 22 માળની ઈમારતમાં ફેરવવામાં આવશે, અભિનેતાનો 73 વર્ષ જૂનો બંગલો વેચાયો, આ કંપનીએ 400 કરોડમાં ડીલ ફાઈનલ કરી.
હાલમાં દિવંગત બોલિવૂડ એક્ટર દેવ આનંદ સાથે જોડાયેલા એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, દેવાનંદની છેલ્લી નિશાની એટલે કે તેનો મુંબઈના જુહુમાં આવેલો બંગલો હવે વેચાઈ ગયો છે. આ બંગલાની કિંમત લગભગ 400 કરોડ છે.
મળતી માહિતી મુજબ દેવાનંદની આ નિશાની એક પ્રખ્યાત રિયલ એસ્ટેટ કંપનીએ ખરીદી છે. હાલમાં દસ્તાવેજની કામગીરી ચાલી રહી છે. રિયલ એસ્ટેટ કંપની તેને 22 માળના ઊંચા ટાવરમાં કન્વર્ટ કરવા જઈ રહી છે. એક સમય હતો, જ્યારે માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડિયા પણ આ બંગલાની પાસેના એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
જ્યારે દેવાનંદે આ બંગલો બનાવ્યો ત્યારે આ જગ્યા એટલી ગીચ ન હતી. પરંતુ આજે જુહુનો આ વિસ્તાર સૌથી પોશ અને ખર્ચાળ વિસ્તાર તરીકે પ્રખ્યાત છે. દેવાનંદને બે બાળકો છે. એક પુત્ર સુનીલ આનંદ અને પુત્રી દેવીના આનંદ. મળતી માહિતી મુજબ આ મોટી રકમ દેવાનંદના બે બાળકો વચ્ચે વહેંચવામાં આવશે.
આ ઘર ઘણા સમયથી ખાલી પડ્યું હતું. કારણ કે તેમનો પુત્ર સુનીલ આનંદ યુએસમાં રહે છે. અભિનેતાની પુત્રી દેવીના તેની માતા સાથે ઉટીમાં રહેતી હતી. મુંબઈમાં ઘર સંભાળનાર કોઈ નહોતું. એક જૂના ઈન્ટરવ્યુમાં દેવાનંદે કહ્યું હતું કે, 'મેં આ ઘર 1950માં બનાવ્યું હતું. તે સમયે જુહુ એક નાનકડા ગામ જેવું હતું. તે સમયે તે બિલકુલ જંગલ જેવું લાગતું હતું.