નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાબલીપુરમના દરિયા કિનારે ખુદ કરચો ઉઠાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીના આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા અભિનેતા પ્રકાશ રાજે કટાક્ષ કર્યો છે. પ્રકાશ રાજે પીએમ મોદીના આ વીડિયો પર કટાક્ષ કરતા એક સવાલ પણ પૂછ્યો છે.


પ્રકાશ રાજે પોતાના ટ્વીટમાં પીએમ મોદીનો વીડિયો શેર કરીને લખ્યું કે, “નેતાઓની સુરક્ષા ક્યાં ગાયબ થઈ ગઈ. તમે તેમને એક કેમેરામેન સાથે એકલા સાફ-સફાઈ માટે કેમ છોડી દીધાં. જ્યારે વિદેશી મહેમાન અહીં આવ્યા છે ત્યારે સંબંધિત વિભાગે સફાઈ નહીં કરવાની હિમ્મત કેવી રીતે કરી. ખાલી પૂછ્યું (#justasking)”.


પ્રકાશ રાજનો વિદેશ મહેમાનનો ઇશારો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફ હતો. જેઓ બે દિવસ ભારતની મુલાકાતે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે મહાબલીપુરમના બીચ પર જ્યારે પીએમ મોદી લટાર મારવા પહોંચ્યા હતા ત્યારે પોતે બીચ પર પડેલો કચરો ઉઠાવતા નજર આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.