કેરળના પૂરગ્રસ્તો માટે આ બોલીવુડ સુપરસ્ટારે આપ્યા 75 લાખ પણ બીજા સ્ટાર્સના દાનની રકમ શરમજનક, જાણો વિગત
નવી દિલ્હીઃ કેરાલામાં સદીનું સૌથી ખરાબ પૂર આવ્યું છે, કેરાલામાં 8 ઓગસ્ટથી મચેલી આ તબાહીમાં અત્યાર સુધી 300થી વધુ લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે અને લાખો લોકો બેઘર બની ચૂક્યા છે. હાલ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મદદ અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેરાલાને આર્થિક મદદ માટે નેતા બાદ હવે અભિનેતાઓ પણ આગળ આવ્યા છે.
પુરગ્રસ્તો માટે તામિલ એક્ટર વિજય સેતુપતિ 25 લાખ રૂપિયા, એક્ટ્રેસ રોહિણીએ 2 લાખ રૂપિયા અને તેલુગુ એક્ટર પ્રભાસ, અલ્લુ અર્જૂન અને ડેવેરાકોન્ડાએ પણ નાની અમથી મદદ કરી છે. આ કડીમાં સાઉથનો સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંતે 15 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ડાયરેક્ટર શંકરે 10 લાખ રૂપિયા પુરગ્રસ્તોની મદદે મોકલ્યા છે. ઉપરાંત મલયાલમી એક્ટર મમુટી અને દલકર સલમાને 15 લાખ અને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મલયાલમી સુપરસ્ટાર મોહનલાલે 25 લાખ CMRDFમાં આપ્યા છે.
દક્ષિણ ભારતીય ફિલ્મ સુપરસ્ટાર્સે પણ દાન કર્યુ છે જેમાં સુપરસ્ટાર કમલ હસને અને સુર્યાએ પુરગ્રસ્તોને 25 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત કોષ CMRDFમાં ડૉનેટ કર્યા છે. તામિલ એક્ટર ધનુષે 15 લાખ રૂપિયા, જ્યારે વિશાલ અને શિવકાર્તિકેયને 10 લાખ રૂપિયા મદદની જાહેરાત કરી છે. તેલુગુ એક્ટર વિજયે 5 લાખ રૂપિયા જ્યારે સાઉથની સક્સેસ અભિનેત્રી અનુપમા પરમેશ્વરમે 1 લાખ રૂપિયા મદદ માટે મોકલ્યા છે.
300 લોકોએ જીવ ગુમાવ્યા છે, 60 હજાર લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, રાજ્યમાં 25 જેટલી જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે. રાજ્યના સત્તાવાર આંકડા પ્રમાણે પૂરથી 1501 ઘરો નુકશાનગ્રસ્ત થયા છે, જ્યારે 101 જેટલા ઘરો જમીનદોસ્ત થઇ ચૂક્યા છે.
કેરાલામાં આવેલા સદીના સૌથી વિનાશકારી પૂરના કારણે રાજ્યમાં ભારે તબાહી મચી ગઇ છે. મુખ્યમંત્રી પિનરાઇ વિજયનના જણાવ્યું અનુસાર, રાજ્યમાં 19512 કરોડથી વધુનું નુકશાન થયું છે.
કિંગ ખાનના મીર ફાઉન્ડેશને 21 લાખ રૂપિયા રાહત કોષમાં આપ્યા છે. ધવને 10 લાખ તથા ઋત્વિક રોશન, શ્રદ્ધા કપૂર, ફરહાન અખ્તર અને જેકલીન ફર્નાન્ડિઝે પણ ગુપ્ત દાન કર્યું છે. આ ઉપરાંત બૉલીવુડ હસ્તીઓએ આગળ આવી છે જેમાં કેટલાકે પોતાના ફેન્સને મદદ કરવા અપીલ કરી છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, શ્રદ્ધા કપૂર, વિદ્યા બાલન, કાર્તિક આર્યન જેવા અનેક દિગ્ગજ એક્ટર્સ સામેલ છે.
પૂરમાં સૌથી વધુ આર્થિક મદદ બૉલીવુડ એક્ટર અક્ષય કુમારે કરી, અક્ષયે પૂર પીડિતો માટે ફિલ્મ ડાયરેક્ટર પ્રિયદર્શન દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખનો ચેક આપ્યો હતો, જ્યારે તેને બચાવ, રાહત અને પુનર્વસવાટ માટે કુલ 75 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. એક્ટર જોન અબ્રાહમે પણ ગુપ્ત રીતે દાન કર્યું છે.