બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર લાંબા સમયથી પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે ફરી એકવાર ફિલ્મ સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રના પેચવર્ક માટે વારાણસી પહોંચ્યા હતા.
ફિલ્મના શૂટિંગના સંદર્ભમાં સ્ટાર કાસ્ટની વારાણસી શહેરની આ ત્રીજી મુલાકાત હતી, જ્યાં આલિયા અને રણબીર પર શૂટ થવાના ગીતોના કેટલાક ભાગોનું શૂટિંગ કરવાનું બાકી હતું. આ સમયે, આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરતીને બ્રહ્માસ્ત્ર ફિલ્મનું શૂટિંગ સમાપ્ત થયુ હોવાની માહિતી આપી છે. આલિયાએ બે ફોટો અને એક વીડિયો શેર કરતાં આ જાણકારી આપી છે. ફોટોમાં તે અને રણબીર વારાણસીમાં મંદિર પાસે ઉભા જોવા મળે છે.
સાથે જ બીજા ફોટમાં આલિયા અને રણબીર ફિલ્મની આખી સ્ટારકાસ્ટ સાથે ગંગા ઘાટ પર બોટ પર બેસીને ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે. પોસ્ટની સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'અને અંતે... આ રેપ-અપ છે! બ્રહ્માસ્ત્ર ફિલ્મના અમારા પહેલા શોટ લીધાના 5 વર્ષ પછી, અમે આખરે અમારો છેલ્લો શૉટ પૂર્ણ કર્યો છે! એકદમ અકલ્પનીય, પડકારજનક, જીવનભરની સફર!!!'. તમને જણાવી દઈએ કે આ ફિલ્મની જાહેરાત ઓક્ટોબર 2017માં કરવામાં આવી હતી, ત્યારબાદ તેનું શૂટિંગ ફેબ્રુઆરી 2018માં શરૂ થયું હતું. અગાઉ જૂનમાં અને પછી સપ્ટેમ્બર 2019માં ફિલ્મનું શૂટિંગ વારાણસીમાં થયું હતું. આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. ફિલ્મમાં બંને સિવાય અમિતાભ બચ્ચન, મૌની રોય, અક્કીનેની નાગાર્જુન જોવા મળશે. બ્રહ્માસ્ત્ર ફિલ્મની રિલીઝ ડેટ 9 સપ્ટેમ્બર, 2022 નક્કી કરવામાં આવી છે.