મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે. ગુરૂવારે સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગૃહમંત્રી અમિત શાહને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. એવામાં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે આ કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી.

અનિલ દેશમુખે કહ્યું, સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસ મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. એવામાં સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી.



ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે સુશાંતે કેમ આ પ્રકારનું પગલું ભર્યું. એવામાં સોશિયલ મીડિયા પર તેના ફેન્સ આ કેસમાં સીબીઆઈ તપાસને લઈને કેમ્પેઈન ચલાવી રહ્યા છે.

આ સાથે જ રિયા ચક્રવર્તીએ ગૃહ મંત્રી અમિત શાહને પણ પોતાની પોસ્ટમાં ટેગ કર્યા છે. રિયાએ ઈન્સ્ટાગ્રામ પર સુશાંતની તસવીર શેર કરતા લખ્યું, 'અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. સુશાંતના આકસ્મિત નિધનને એક મહિનો પૂરો થયો છે. મને સરકાર પર પૂરો ભરોસો છે, પરંતુ ન્યાય માટે હું તમારી પાસે હાથ જોડીને આગ્રહ કરૂ છુ કે આ કેસમાં ઝડપથી સીબીઆઈ તપાસ કરાવવામાં આવે. હું માત્ર એ જાણવા માંગુ છુ કે અંતે સુશાંતે કયા પ્રેશરમાં આવીને આવું પગલુ ભર્યુ. રિયા ચક્રવર્તી. સત્યમેવ જયતે.'

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસ પર્સનલ અને પ્રોફેશનલ દરેક રીતે આ કેસમાં તપાસ કરી રહી છે. આ કેસમાં રિયાની પણ મુંબઈ પોલીસે આશરે 11 કલાક સુધી પુછપરછ કરી છે.