લોસ એન્જલસઃ અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આજે યોજાયેલા 94મા ઓસ્કાર અવોર્ડ્સમાં ભારતીય એક્ટ્રેસ હુમા કુરેશીએ જેમાં રોલ કર્યો છે એ ઝોમ્બી ફિલ્મ ‘આર્મી ઓફ ધ ડેડ’ને નવી ઉમેરાયેલી કેટેગરી ‘ફેન ફેવરિટ ઓસ્કર’માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ માટે ‘ડ્યુન’ ફિલ્મે ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટનું કામ ભારતના નમિત મલ્હોત્રાની કંપનીએ સંભાળ્યું હતું. આ કારણે ભારત માટે વધુ એક ગૌરવ ઉમેરાયું છે.


આ વખતના ઓસ્કરા એવોર્ડ્સમાં‘ફેન ફેવરિટ ઓસ્કાર’ નામની  નવી  કેટેગરી ઉમેરવામાં આવી છે. ટ્વિટર પોલને આધારે ડિરેક્ટર ઝેક સ્નાઇડરની ઝોમ્બી-હોરર ફિલ્મ ‘આર્મી ઓફ ધ ડેડ’ ફેન ફેવરિટ ફિલ્મનો અવોર્ડ જીતી ગઈ છે. આ ફિલ્મમાં ભારતની હુમા કુરેશી પણ ‘ગીતા’ નામનું એક પાત્ર ભજવી રહી છે.


CODA નામની કમિંગ ઑફ એજ કોમેડી ફિલ્મને આ વર્ષનો બેસ્ટ ફિલ્મનો ઓસ્કર અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ 2014માં આવેલી ફ્રેન્ચ ફિલ્મની રિમેક છે. આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર જીતનારા અદાકાર ટ્રોય કોટસર રિયલ લાઇફમાં મૂક-બધિર છે. તેમની ઓસ્કર એક્સેપ્ટન્સ સ્પીચનું ભાષાંતર કરવા માટે સાઇન લેંગ્વેજ એક્સપર્ટ પણ સ્ટેજ પર આવ્યાં હતાં.


એક્ટર વિલ સ્મિથને ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો. આ પહેલાં પોતાની પત્ની પરના જોક માટે વિલ સ્મિથે ઓડિયન્સમાંથી ઊભા થઈને હોસ્ટ ક્રિસ રોકને એક મુક્કો મારી દેતાં અવોર્ડ સેરિમનીમાં સન્નાટો છવાઈ ગયો હતો. બેસ્ટ એક્ટરનો અવોર્ડ લેતી વખતે વિલ સ્મિથ ભાવુક થઈને રડી પડ્યો હતો. વિલ સ્મિથે હોસ્ટ કોમેડિયન ક્રિસ રોકને મુક્કો મારવા બદલ માફી પણ માગી હતી. એક્ટ્રેસ જેસિકા ચેસ્ટેનને ‘ધ આઇઝ ઑફ ટેમી ફે’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો છે.


‘વેસ્ટ સાઇડ સ્ટોરી’ માટે એરિયાના ડિબોસને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીનો ઓસ્કર મળ્યો. ‘કોડા’ ફિલ્મ માટે 53 વર્ષના ટ્રોય કોટસરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો. આ તેમનો પહેલો ઓસ્કર છે. એમણે પોતાના અવોર્ડને સમગ્ર કોડા કમ્યુનિટીને અર્પણ કર્યો.


આ સમારોહમાં યુક્રેનના સપોર્ટમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સમારોહમાં યુક્રેનના સમર્થન માટે અપીલ પણ કરવામાં આવી હતી. આ વખથના એવોર્ડ્વમાં ફેન્ટેસી ફિલ્મ ‘ડ્યુન’નો દબદબો જોવા મળ્યો છે. તેને અલગ અલગ કેટેગરીમાં 6 ઓસ્કર મળી ચૂક્યા છે.