MUMBAI : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વિધાનસભા સત્ર દરમિયાન 'ધ કાશ્મીર ફાઇલ'નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિધાનસભામાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય મંગલપ્રભાત લોઢાએ ગૃહમાં કહ્યું, "કાશ્મીર ફાઇલ્સ સારી ફિલ્મ છે. તેને કરમુક્ત બનાવો." બીજેપીના અન્ય ધારાસભ્યોએ કહ્યું કે અમારા પગારમાંથી પૈસા લો, પરંતુ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરો. બીજેપી ધારાસભ્યની માંગ સાંભળ્યા બાદ અજિત પવારે કહ્યું કે તેઓ પહેલાથી જ તેના પર વિચાર કરી રહ્યા છે.


આ સાથે જ મધ્યપ્રદેશ સરકારના ગૃહમંત્રીએ એક ડગલું આગળ વધીને ડીજીપીને નવો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જે પણ પોલીસકર્મી પોતાના પરિવાર સાથે અથવા તો એકલા ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા માંગે છે તો તેને રજા આપવામાં આવે. આ સાથે આ ફિલ્મને સમગ્ર રાજ્યમાં ટેક્સ ફ્રી પણ કરવામાં આવી છે.


પોલીસકર્મીઓને ફિલ્મ જોવા માટે રજા મળશે
મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ કહ્યું છે કે મધ્યપ્રદેશ પોલીસ કર્મચારીઓને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા માટે રજા આપવામાં આવશે. આ સંદર્ભમાં ડીજીપીને સૂચના આપવામાં આવી છે કે જ્યારે પોલીસકર્મીઓ તેમની સુવિધા અનુસાર આ ફિલ્મ જોવા માંગે ત્યારે તેમને રજા આપવામાં આવે. 


ગુજરાત, હરિયાણા અને મધ્યપ્રદેશમાં ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી 
તમને જણાવી દઈએ કે આ પહેલા મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાત  સરકારે પણ રાજ્યમાં ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી કરી છે. ગુજરાત સરકારના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આની જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે  'ધ કાશ્મીર ફાઇલ્સ'ને રાજ્યમાં  ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. 


ફિલ્મ કાશ્મીર ફાઇલ્સની પીએમ મોદીએ કરી પ્રસંશા 
ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકો ઉપરાંત દેશની ઘણી મોટી હસ્તીઓએ પણ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ કર્યા છે.  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મની પ્રસંશા કરી છે. 


ટ્વિટર પર આ તસવીરો શેર કરતા આ ફિલ્મના મેકર અભિષેક અગ્રવાલે કહ્યું છે કે પીએમ મોદીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, 'આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મળીને આનંદ થયો. 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશેની તેમની પ્રશંસા અને દયાળુ શબ્દો તેને વધુ ખાસ બનાવે છે. ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં અમને ક્યારેય ગર્વ થયો નથી. આભાર મોદીજી."