Sushant Singh Rajput death case: સુશાંત સિંહ રાજપૂતના મોતનો વિવાદ ફરી એકવાર ઉભો થતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાલેએ બુધવારે સુશાંતના મૃત્યુમાં આદિત્ય ઠાકરેની સંડોવણી પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ શેવાળેનું કહેવું છે કે સીબીઆઈની તપાસમાં સામે આવ્યું છે કે રિયા ચક્રવર્તીને એક AU દ્વારા 44 વખત ફોન કરવામાં આવ્યો હતો. લોકસભામાં આ મામલો ઉઠાવતા રાહુલ શેવાળેએ કહ્યું- 'રિયા ચક્રવર્તીની AU નામના વ્યક્તિ દ્વારા 44 વખત ફોન કરવામાં આવ્યો હતો અને બિહાર પોલીસનું કહેવું છે કે એયુ બીજું કોઈ નહીં પણ આદિત્ય ઠાકરે હતા. તેથી હું જાણવા માંગુ છું કે સીબીઆઈ આ મામલે શું તપાસ કરી રહી છે.=


આદિત્ય ઠાકરેએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા


રાહુલ શેવાલેના આક્ષેપો અંગે આદિત્યે રિએક્શન આપ્યું હતું. તેણે કહ્યું હતું, 'હું માત્ર એટલું કહેવા માગીશ કે હું તમને ઘણો જ પ્રેમ કરું છું. જે વ્યક્તિ પોતાના ઘર ને પાર્ટીની ના થઈ તે વ્યક્તિ પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ. આ વાત તો બધા જ કરે છે કે મુખ્યમંત્રી શિંદે જમીન કૌભાંડમાંથી ધ્યાન ભટાકવવા માટે આમ કરે છે.' વધુમાં આદિત્યે કહ્યું હતું, 'હું તે ગંદકીમાં જવા માગીશ નહીં. અમે લોકો પૂરી રીતે ચોખ્ખા ને નિર્દોષ છીએ. જે કોઈ આવી ધડમાથા વગરની વાતો કરે છે, તેને જવાબ આપવા અમે બંધાયેલા નથી.'


સુશાંત કેસમાં AUનું નામ આવ્યું હતું


જણાવી દઈએ કે જ્યારે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ ચાલી રહી હતી ત્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને AU નામના વ્યક્તિ વચ્ચે 44 કોલ થયા હતા. ત્યારે તપાસમાં સહકાર આપવા આવેલી બિહાર પોલીસે આદિત્ય ઠાકરે સાથે એયુના સંબંધની વાત કરી હતી. આ મામલે આદિત્ય ઠાકરેના મૌનને કારણે તેમની ઘણી ટીકા પણ થઈ હતી.


મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો


આ અંગે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલે અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ ગૃહમાં દિશા સાલિયાનના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની તપાસની માંગ કરી હતી. આ પછી, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દિશા સલિયાનના મૃત્યુની SIT તપાસના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે દિશા સાલિયાન સુશાંતની મેનેજર હતી અને સુશાંતના મૃત્યુના થોડા દિવસો પહેલા તેણે પણ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.


14 જૂન 2020ના રોજ સુશાંતની લાશ તેના ઘરમાંથી મળી આવી હતી 


જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020 ના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રથમ નજરે આ મામલો આત્મહત્યાનો હોવાનું જણાયું હતું, પરંતુ બાદમાં મીડિયા અને વિરોધ પક્ષોના દબાણને કારણે મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.


સીબીઆઈની તપાસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યો


મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ છે કે તે પોતે પણ ડ્રગ્સ લેતી હતી અને તે સુશાંતને પણ આપતી હતી. આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ રિયાને આરોપી શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. આ સમયગાળા દરમિયાન રિયા અને તેના ભાઈને પણ એક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.


સુશાંતના આત્મહત્યાના કેસમાં રિયા ખરાબ રીતે ફસાઈ ગઈ હતી


જ્યારે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી ત્યારે સુશાંતના પરિવારજનોએ રિયા પર સુશાંતને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. પરિવારનું માનવું હતું કે સુશાંતના મૃત્યુમાં રિયાની કોઈ ભૂમિકા હતી. આ સિવાય રિયા પર સુશાંતને ડ્રગ્સ આપવાનો પણ આરોપ હતો. જો કે સીબીઆઈના અંતિમ રિપોર્ટમાં રિયા સામે કોઈ આરોપ સાબિત થયો ન હતો.