મુંબઈ: બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મો અને ટીવીના જાણીતા અભિનેતા મુકુલ દેવનું શુક્રવારે રાત્રે નિધન થયું છે. 54 વર્ષની ઉંમરે તમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા મુકુલ દેવના નિધનના સમાચાર સામે આવતા બોલીવૂડ જગતમાં શોકની લહેર જોવા મળી હતી. અભિનેતાના પરિવારને પણ ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે.
મુકુલ દેવના નિધનથી વિંદૂ દારા સિંહ દુખી
અભિનેતા મુકુલ દેવના નિધનથી વિંદૂ દારા સિંહ ખૂબ જ દુખી છે. તેમણે અભિનેતા સાથે એક વીડિયો શેર કરી દુખ વ્યક્ત કર્યું છે. વિંદૂ દારા સિંહે કેપ્શનમાં લખ્યું- RIP બ્રધર મુકુલ દેવ. તમારી સાથે પસાર કરેલો સમય હંમેશા યાદ રાખીશ અને #SonOfSardaar2 મા તમારુ અંતિમ સોંગ હશે જેમાં તમે દર્શકોને ખુશી અને આનંદ સાથે હસાવીને લોટપોટ કરી દેશો.
એક્ટ્રેસ દીપશિખા નાગપાલને મોટો ઝટકો લાગ્યો
અભિનેતા મુકુલ દેવની મિત્ર અને ફેમસ ટીવી એકટ્રેસ દીપશિખા નાગપાલને અભિનેતાના નિધનના સમાચારથી મોટો ઝટકો લાગ્યો છે. દીપશિખાએ મુકુલ સાથે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી તેમને યાદ કર્યા છે.
ફિલ્મો અને ટીવીમાં મુકુલ દેવે ખાસ ઓળખ બનાવી
દિલ્હીમાં જન્મેલા મુકુલ દેવે વર્ષ 1996માં ટીવીથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. તેઓ સૌથી પહેલા સીરિયલ મુમકિનમાં જોવા મળ્યા હતા. તેમણે દુરદર્શનના કોમેડી બોલીવૂડ કાઉન્ટડાઉન શો એક સે બઢ કર એકમાં કામ કર્યું હતું. તેમણે 1996માં સુષ્મિતા સેન સાથે ફિલ્મ 'દસ્તક'થી પોતાના બોલીવૂડ સફરની શરુઆત કરી હતી. આ સિવાય તેમણે કિલા (1998), વજૂદ (1998), કોહરામ (1999) અને મુજે મેરી બીવી સે બચાઓ (2001) સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચાહકોનું દિલ જીત્યું હતું.
મુકુલે હિન્દી અને પંજાબી ફિલ્મોની સાથે મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કર્યું છે. બંગાલી, મલયાલમ, કન્નડ, અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ફિલ્મ ‘યમલા પગલા દિવાના’માં તેમણે ખૂબ જ શાનદાર અભિનય કર્યો હતો.