મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ આજકાલ પ્રવાસી શ્રમિકોની મદદ માટે જબરદસ્ત મહેનત કરી રહ્યો છે. પોતાના ખર્ચે પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચાડી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર સોનુ સૂદના આ કામને લોકો બિરદાવી રહ્યાં છે, અને ફેન્સ તરફથી જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. સોનુ સૂદે હવે એક કદમ આગળ વધીને નવી પહેલ કરી છે, તેમને લોકોની મદદ માટે પોતાનો કૉન્ટેક્ટ નંબર શેર કરી દીધો છે.


અભિનેતાએ પ્રવાસી મજૂરોને પોતાના ઘરે પહોંચાડવા માટે દિવસ રાત કામ ચાલુ કર્યુ છે, પ્રવાસી મજૂરો માટે પોતાનો કૉન્ટેક્ટ નંબર શેર કર્યો છે. સોનુ સૂદે ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી છે.

અભિનેતાએ ટ્વીટમાં કહ્યું- મારા પ્યારા શ્રમિક ભાઇઓ અને બહેનો, જો તમે મુંબઇમાં છો અને ઘરે જવા માંગતા હોય તો કૃપા કરીને 180012133711 નંબર પર કૉલ કરો, અથવા તો 9321472118 પર નામ અને સરનામુ વૉટ્સએપ કરો. તમે કેટલા લોકો છો અને ક્યાં જવા માંગો છો, અમને જણાવો. અમારી ટીમ જલ્દી તમારો સંપર્ક કરશે. ધન્યવાદ...



સોનુ સૂદના આ ઉમદા અને પ્રસંશનીય કામને જોઇને કે સોશ્યલ મીડિયા યૂઝરે સરકાર પાસે અભિનેતાને પદ્મ ભૂષણ આપવાની પણ માંગ કરી દીધી હતી. જોકે, સોનુ સૂદે આનો દિલ જીતી લે તેવો જવાબ આપીને બધાને ચોંકાવી દીધા હતા.

નોંધનીય છે કે, અભિનેતા સોનુ સૂદે પોતાના ખર્ચે બસો બુક કરાવીને પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી છે, અભિનેતા અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકોને પોતાના ઘરે પહોંચાડી ચૂક્યો છે.



પ્રવાસી મજૂરોની સેવા વિશે અભિનેતાનુ કહેવુ છે કે, જ્યાં સુધી દરેક પ્રવાસી મજૂર પોતાના ઘરે ના પહોંચી જાય હુ મારા અભિયાનને ચાલુ રાખીશ. આના માટે મારે ભલે ગમે તે કામ કરવુ કે મહેનત કરવી પડે. જ્યાં સુધી છેલ્લો મજૂર પોતાના ઘરે ના પહોંચે ત્યાં સુધી હુ ચેનથી નહી બેસી શકુ.