Adipurush Movie Leaked Online: પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ' 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલા જ દિવસે જ થિયેટરની બહાર લોકોની ભીડ જોવા મળી હતી. ફિલ્મે પહેલા જ દિવસે 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પરંતુ પહેલાથી જ વિવાદનો સામનો કરી રહેલી ફિલ્મ આદિપુરૂષના મેકર્સને કમ્મરતોડ ફટકો પડે તેવા અહેવાલ સામે આવ્યા છે. 


આદિપુરુષ ઓનલાઈન લીક થઈ ગઈ? 


લાંબા સમયથી આદિપુરુષ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી હતી. પરંતુ આમ છતાં ચાહકો આતુરતાથી ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. જો કે આદિપુરુષ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રામના રોલમાં જોવા મળેલા પ્રભાસની એક્ટિંગના ફેન્સ વખાણ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મ રિલિઝ થયાને હજી 2 જ દિવસ થયા છે ત્યાં આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. મેકર્સ માટે આ એક મોટો આંચકો છે.


મેકર્સ માટે ઉભી થઈ નવી મુશ્કેલી


આદિપુરુષનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ એક પછી એક નવા વિવાદોમાં ફસાઈ રહી છે. અગાઉ આ ફિલ્મના VFXને લઈને ઘણો હોબાળો થયો હતો. જે બાદ ફિલ્મની રિલીઝ ડેટ 12 જાન્યુઆરીથી બદલીને 16 જૂન કરવામાં આવી હતી. જો કે આ ફિલ્મનું ટ્રેલર ચાહકોને પસંદ આવ્યું હતું અને ચાહકો તેને લઈને વધુ ઉત્સાહિત થઈ ગયા હતા. હવે જ્યારે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, તે થોડા કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ગઈ છે. જેથી હવે નિર્માતાઓ માટે એક મોટું ટેન્શન ઉભું થયું છે. કારણ કે, આમ થવાથી ફિલ્મના કલેક્શન પર મોટી અને વિપરીત અસર થઈ શકે છે.


આદિપુરુષના મુખ્ય પાત્રો


જાહેર છે કે, આદિપુરુષ ફિલ્મમાં પ્રભાસ અને કૃતિ સેનન લીડ રોલમાં છે. પ્રભાસે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી જ્યારે કૃતિ સેનને માતા સીતાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત સૈફ અલી ખાને રાવણનો રોલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ સૈફની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે. સાથે જ એ પણ જોવાનું રહેશે કે, ફિલ્મ લીક થતા આદિપુરૂષના કલેક્શન પણ તેની કેટલી વિપરીત અસર થાય છે.