બોલિવૂડના રોમાંસ કિંગ શાહરુખ ખાનના સંતાનો સુહાના અને આર્યનના ડેબ્યૂની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. સુહાના અને આર્યને હજી સુધી ઈન્ડસ્ટ્રીમાં પગ નથી મૂક્યો પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી. સુહાનાએ પોતાની ડેબ્યૂ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે અને હવે આર્યન પણ આ લીસ્ટમાં સામેલ થઈ ગયો છે. આર્યન ખાન વેબ સિરીઝથી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહ્યો છે. આર્યન ખાન વેબ સિરીઝમાં એક્ટિંગ કરવાને બદલે ડાયરેક્ટ કરવા જઈ રહ્યો છે અને તેનું ટેસ્ટ શૂટ પણ શરૂ કરી દીધુ છે.
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, આર્યન આ વેબ સિરીઝને લખવાની સાથે સાથે ડાયરેક્ટ પણ કરી રહ્યો છે. તેમણે પોતાની સિરીઝનો બધો ચાર્જ પોતાના પર લઈ લીધો છે અને શુક્રવાર-શનિવારના રોજ ટેસ્ટ શૂટ શરૂ કરી દીધુ છે. સિરીઝનો પાર્ટ હોવાને કારણે આર્યન ઈચ્છે છે કે, બધા ક્રૂ સાથે મળીને આ પ્રોજેક્ટને સમજી લે કારણ કે શૂટિંગ પહેલા બધાને બધી વાત સમજાય જાય.
આર્યન વેબ સિરીઝ માટે ખુબ ઉત્સુક છે
રિપોર્ટ પ્રમાણે આર્યન ખાન પોતાના આ પ્રોજેક્ટ માટે બહુ પેશનેટ છે અને તેમણે પ્રી-પ્રોડક્શન કામ શરૂ કરી દીધુ છે. ટૂંક સમયમાં જ શૂટિંગની તારીખ ફાઈનલ કરી દેવામાં આવશે. ત્યાર બાદ શૂટિંગ શરૂ કરવામાં આવશે. શાહીદ કપૂર અને મૃણાલ ઠાકુરની આવનારી ફિલ્મમાં જોવા મળેલા પ્રીત કમાની પણ વેબ સિરીઝના સેટ પર જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેઓ આ પ્રોજેક્ટમાં જોવા મળશે કે નહીં.
શાહરુખ ખાને પહેલા જ કહ્યું છે કે, તેમના પુત્રને એક્ટિંગમાં રસ નથી. તે ડાયરેક્શનમાં પોતાની કેરિયર બનાવવા માગે છે. આર્યન ખાન છેલ્લા ચાર વર્ષથી ડાયરેક્શન અને રાઈટિંગ શીખી રહ્યો છે. તેમણે ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો છે. તો બીજી તરફ સુહાનાની વાત કરીએ તો તે જોયા અખ્તરની વેબ સિરીઝથી ડેબ્યૂ કરવા જઈ રહી છે.