'બૉર્ડર 2' ફિલ્મને લઇને આવ્યું મોટુ અપડેટ, સની દેઓલે શૂટિંગને લઇને શું કહ્યું, ક્યારે થશે રિલીઝ ?
Sunny Deol On Border 2: 'બૉર્ડર-2' માંથી સની દેઓલનો ફર્સ્ટ લુક પણ જાહેર કરવામાં આવ્યો હતો. અભિનેતા થોડા સમય પહેલા દેહરાદૂનના હલ્દુવાલામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા

Sunny Deol On Border 2: બોલિવૂડ અભિનેતા સની દેઓલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'બૉર્ડર-2' ના શૂટિંગમાં વ્યસ્ત છે. 'જાટ' માં તેની ધમાકેદાર એક્શન જોયા પછી, ચાહકો હવે તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સની દેઓલે પોતે તેની આગામી ફિલ્મ 'બૉર્ડર-2' વિશે એક મોટી અપડેટ આપી છે. અભિનેતાએ જણાવ્યું છે કે ફિલ્મનું શૂટિંગ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે.
સની દેઓલે તાજેતરમાં ANI સાથેની મુલાકાતમાં 'બૉર્ડર-2'ની રિલીઝ તારીખ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું- હું 'બૉર્ડર-2'નું શૂટિંગ કરી રહ્યો છું. આશા છે કે અમે આગામી 2 થી 3 મહિનામાં શૂટિંગ પૂર્ણ કરીશું. અમે આગામી 26 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બધા ખૂબ મહેનત કરી રહ્યા છે, અમને આશા છે કે એક સારી ફિલ્મ બનશે.
'બૉર્ડર-2' ના સેટ પરથી ફોટા રિલીઝ કરવામાં આવ્યા
અગાઉ, 'બૉર્ડર-2' માંથી સની દેઓલનો ફર્સ્ટ લુક પણ જાહેર કરવામાં આવ્યો હતો. અભિનેતા થોડા સમય પહેલા દેહરાદૂનના હલ્દુવાલામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન, ઉત્તરાખંડ ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના સીઈઓ બંશીધર તિવારી સેટની મુલાકાત લીધી અને સની દેઓલને મળ્યા. તે સમયે બહાર આવેલી તસવીરોમાં સની દેઓલનો ફિલ્મનો ફર્સ્ટ લુક જોવા મળ્યો હતો. ફોટામાં, સની લશ્કરી ગણવેશ પહેરેલો, બંદૂક પકડીને અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો.

'બૉર્ડર-2' ક્યારે રિલીઝ થશે ?
''બૉર્ડર-2'માં સની દેઓલ સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ જેપી દત્તા, નિધિ દત્તા અને ટી-સિરીઝ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહી છે. 'બૉર્ડર-2' આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 23 જાન્યુઆરી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.
સની દેઓલનું વર્કફ્રન્ટ
સની દેઓલના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, સની દેઓલ છેલ્લે ફિલ્મ 'જાટ'માં જોવા મળ્યા હતા. હવે તેમની પાસે 'બૉર્ડર-2', 'લાહોર 1947' અને નિતેશ તિવારીની 'રામાયણ' જેવી ફિલ્મો પાઇપલાઇનમાં છે.





















