Gadar 2 Worldwide Collection: સની દેઓલ અને તેની ગદર 2  આ બે નામ છેલ્લા ઘણા દિવસોથી બોક્સ ઓફિસ પર સાંભળવા મળી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયાને ત્રણ અઠવાડિયાનો લાંબો સમય વીતી ગયો છે. હજુ પણ ગદર 2  શાનદાર કમાણી કરી રહી છે.  ગદર 2 એ બોક્સ ઓફિસ પર એવી કમાણી કરી છે કે તેની ગુંજ દૂર દૂર સુધી સંભળાઈ રહી છે. આ ફિલ્મ માત્ર દેશભરમાં બોક્સ ઓફિસ પર રાજ નથી કરી રહી, પરંતુ વર્લ્ડવાઈડ કલેક્શનના મામલે પણ રેકોર્ડ તોડી રહી છે. ગઈકાલે ગદર 2 એ ધૂમ 3 ને પાછળ છોડી દીધી હતી. હવે સની દેઓલની ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનમાં સલમાન ખાનની ફિલ્મ સુલતાન અને ટાઈગર ઝિંદા હૈ બંનેના પાછળ છોડી દીધી છે.


આ બંને ફિલ્મો સલમાન ખાનની છે અને તેણે વર્લ્ડવાઈડ શાનદાર કમાણી કરી હતી.  સુલતાન અને ટાઈગર બંને ફિલ્મો કરતા ગદર 2 એ શાનદાર કમાણી કરી છે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, ટાઈગર ઝિંદા હૈએ  વિદેશમાં 129.38 કરોડ અને ભારતમાં 434.82 કરોડની કમાણી કરી હતી. આ સાથે  ટાઈગર ઝિંદા હૈનું  વર્લ્ડવાઈડ કલેક્શન 564.20 કરોડ હતું. સુલતાનની વાત કરીએ તો ફિલ્મે વિદેશમાં 197.2 કરોડ અને ભારતમાં 417.29 કરોડનો ગ્રોસ બિઝનેસ કર્યો હતો. આ સાથે જ ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 615.49 કરોડ થઈ ગયું હતું.


હવે ગદર 2ના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે વિદેશમાં અત્યાર સુધીમાં 60.56 કરોડનો ગ્રોસ બિઝનેસ કર્યો છે.  ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 574.35 કરોડ રૂપિયા છે. આ સાથે ગદર 2નો વર્લ્ડવાઈડ ગ્રોસ બિઝનેસ 634.91 કરોડ થઈ ગયો છે.


ગદર 2 એ અત્યાર સુધી માત્ર સુલતાન, ટાઈગર ઝિંદા હૈ અને ધૂમ 3 જ નહીં પરંતુ સંજુ પદ્માવત, ચેન્નાઈ એક્સપ્રેસ, અંધાધૂન અને 3 ઈડિયટ્સ સહિતની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને પણ માત આપી છે. 


ફિલ્મ 'ગદર 2'ની વાત કરીએ તો આ વખતે ફિલ્મમાં તારા સિંહ બનેલા સની દેઓલ પોતાના પુત્ર જીતાને બચાવવા પાકિસ્તાન જાય છે અને ત્યાં દુશ્મનોને માર મારે છે. આ વખતે પણ ફિલ્મ પ્રેમ, લાગણીઓ અને એક્શનથી ભરપૂર છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સુપરસ્ટાર સની દેઓલ અને અમીષા પટેલ ઉપરાંત ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.