દિવાળીના બીજા જ દિવસે બોલિવૂડના બે મોટા સ્ટાર્સની ફિલ્મો થિયેટર્સમાં ટકરાઇ હતી. અક્ષય કુમારની 'રામ સેતુ' અને અજય દેવગનની 'થેંક ગોડ' 25 ઓક્ટોબરે એક સાથે રિલીઝ થઈ હતી. આ વર્ષે કેટલીક ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની બોલિવૂડ ફિલ્મોની હાલત બોક્સ ઓફિસ પર ખરાબ રહી છે.
આવી સ્થિતિમાં એવી અપેક્ષા હતી કે બે મોટી ફિલ્મો રીલિઝ થતા બોક્સ ઓફિસ પર કમાલ કરશે પરંતુ હવે લગભગ એક સપ્તાહ બાદ એવું લાગી રહ્યું છે કે જેટલો માહોલ સર્જાયો હતો તેટલી કમાણી બંને ફિલ્મો કરી શકી નથી. શનિવારે બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 6 દિવસ પૂરા કર્યા હતા.
'રામ સેતુ' બોક્સ ઓફિસ કલેક્શન
અક્ષય કુમારની ફિલ્મે પહેલા દિવસે 15 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. પરંતુ શુક્રવાર સુધી ફિલ્મની કમાણી ઘટતી રહી એવું માનવામાં આવતું હતું કે રવિવારે 'રામ સેતુ'ની કમાણી થોડી વધી જશે. એક અંદાજ મુજબ ફિલ્મે છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 7.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે ગત દિવસની સરખામણીએ કમાણી વધી છે.5 દિવસમાં કુલ 48.75 કરોડ રૂપિયાનું કલેક્શન કરનારી આ ફિલ્મે આખરે શનિવારે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
'થેંક ગોડ' માટે મુશ્કેલી વધી
અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની 'થેન્ક ગોડ'એ તેના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હતી. લોકોને લાગ્યું કે કદાચ આવનારા દિવસોમાં ફિલ્મ સારી કમાણી કરશે પરંતુ પહેલા દિવસની 8.15 કરોડની કમાણી સામે ફિલ્મની કમાણી બીજા દિવસે ઘટીને માત્ર 6 કરોડ અને ત્રીજા દિવસે ફરી લગભગ 2 કરોડ થઈ ગઈ. ફિલ્મે શનિવારે માત્ર રૂ. 3.85 કરોડની કમાણી કરી હતી અને રવિવારથી થોડી સારી કમાણી થવાની આશા હતી.
જો કે એક સપ્તાહમાં બંને ફિલ્મોની કમાણી અપેક્ષા કરતા ઓછી હતી.રિપોર્ટ અનુસાર, અક્ષયની 'રામ સેતુ'ને સારી હિટ બનવા માટે એક અઠવાડિયામાં 65-70 કરોડ રૂપિયાની કમાણી કરવાની જરૂર હતી.