Sonu Sood On Chandigarh University MMS Scandal: પંજાબના મોહાલીમાં એક ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓના કેટલાક વાંધાજનક વીડિયો રેકોર્ડ કરવાની ઘટના પર અભિનેતા સોનુ સૂદની પ્રતિક્રિયા સામે આવી છે. સોનુ સૂદે પીડિત યુવતીઓને સમર્થન આપતા લોકોને અપીલ કરી છે કે તે લીક થયેલા વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરે. વિરોધ વચ્ચે પણ, અભિનેતા સોનુ સૂદે કહ્યું કે જે બન્યું તે "દુર્ભાગ્યપૂર્ણ" છે અને લોકોને જવાબદારીપૂર્વક વર્તન કરવાની અપીલ કરી છે. 


પોલીસના જણાવ્યા અનુસાર, લુધિયાણા-ચંદીગઢ રોડ પર સ્થિત ચંદીગઢ યુનિવર્સિટી કેમ્પસની અંદર 60 થી વધુ છોકરીઓના વાંધાજનક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અપલોડ કરવામાં આવ્યા હતા. મામલો ખુલ્યા બાદ આમાં મુખ્ય આરોપી એક યુવતી જણાવવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. 


સોનુ સૂદે ઘટના અંગે શું કહ્યું?


અભિનેતા સોનુ સૂદે સોશિયલ મીડિયા દ્વારા આ ઘટના પર વાત કરી છે. અભિનેતાએ ટ્વીટ કર્યું, "ચંદીગઢ યુનિવર્સિટીમાં જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી બહેનોની પડખે ઉભા રહીને એક જવાબદાર સમાજનું ઉદાહરણ બેસાડીએ. આ પીડિતો માટે નહીં, પરંતુ આપણા માટે કસોટીનો સમય છે. 




આ ઘટના પર યુનિવર્સિટી સત્તાવાળાઓએ વીડિયો લીક થયાની વાતને ફગાવી દીધી છે. જોકે મુખ્ય આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે કે તેણે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તેના બોયફ્રેન્ડનો પણ સમાવેશ થાય છે.


મોહાલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિવેક શીલ સોનીએ મીડિયાને જણાવ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે પકડાયેલી વિદ્યાર્થીનીઓમાંથી એકે હિમાચલ પ્રદેશની કોઈ વ્યક્તિ સાથે તેનો વીડિયો શેર કર્યો હતો. આ કેસમાં તે વ્યક્તિની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 354-સી અને આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સાથે મુખ્ય આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.