Mahesh Bhatt: બોલિવૂડમાં જ્યાં સૌ કોઈ અંબાણી પરિવાર સાથે ઉજવણીના માહોલમાં મસ્ત હતા ત્યાં બીજી તરફ ભટ્ટ પરિવારમાંથી કોઈ પણ આ પાર્ટીમાં જોવા મળ્યું ન હતું. કારણ કે તે પરિવારમાં થોડી મુશ્કેલી ચાલી રહી છે. અહેવાલ છે કે આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટની હાર્ટ સર્જરી થઈ છે. ફિલ્મ નિર્માતાએ એન્જીયોપ્લાસ્ટી કરાવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગયા મહિને તેમનું હાર્ટ ચેકઅપ થયું હતું. જેમાં કંઈક ખબર પડી અને તે પછી સર્જરીની જરૂરિયાત પડી હતી.


મહેશ ભટ્ટની થઈ હાર્ટ સર્જરી 


એક અહેવાલ મુજબ જ્યારે મહેશ ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટને 4 દિવસ પહેલા થયેલી સર્જરી વિશે પૂછવામાં આવ્યું તો તેણે આ વાતની પુષ્ટિ કરી હતી. અને તેમણે જણાવ્યું કે તેમના પિતાને આ અઠવાડિયાની શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના હૃદયની સર્જરી કરવામાં આવી હતી. તેણે કહ્યું, 'ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ વેલ. તે હવે સ્વસ્થ છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. હું તમને વધુ માહિતી આપી શકતો નથી કારણ કે ઘણા લોકોને હોસ્પિટલમાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


મહેશ ભટ્ટ દિગ્દર્શકની સાથે લેખક પણ


મહેશ ભટ્ટ એક જાણીતા ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને પટકથા લેખક છે. તેણે 1974થી પોતાની ફિલ્મોનું નિર્દેશન કરવાનું શરૂ કર્યું. 1984માં તેમની સૌથી લોકપ્રિય ફિલ્મ 'સારંશ' હતી. જે 14મા મોસ્કો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. તેમનું છેલ્લું દિગ્દર્શન સાહસ સડક 2 હતું. જેમાં સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર અભિનીત હતા. હવે આવનારા સમયમાં તેમની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને વાપસી કરશે.