Salman Khan house firing case: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ કેસમાં આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થાપન (32) પોલીસ કસ્ટડીમાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓમાંથી એક આરોપીએ આત્મહત્યા કરી હતી. આરોપી અનુજ થાપનનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. 


પોલીસ કસ્ટડીમાં કેવી રીતે આત્મહત્યા કરી?


આરોપી અનુજ થાપને ટોઇલેટમાં બેડશીટના ટુકડાથી આત્મહત્યા કરી હતી. આરોપી થાપનને બપોરે 12:30 વાગ્યે જીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આરોપી અનુજ થાપનનું જીટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ કસ્ટોડિયલ ડેથની તપાસ રાજ્ય સીઆઈડીને સોંપવામાં આવશે. મુંબઈની આઝાદ મેદાન પોલીસે આ મામલામાં ADR નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે પોલીસ રાત્રે તેને ઓઢવા માટે ચાદર આપી હતી. અનુજે તેના ટૂકડાથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.


એક અઠવાડિયા પહેલા પોલીસે કાર્યવાહી કરીને પંજાબમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં 37 વર્ષીય સોનુ સુભાષ ચંદ્ર અને 32 વર્ષીય અનુજ થાપનનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરે છે.


સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવા માટે આરોપીઓને બંદૂક આપનાર બે લોકોને પોલીસ પંજાબથી મુંબઈ લાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ સોનુ સુભાષ ચંદર અને અનુજ થાપન છે. અનુજ થાપન ટ્રકમાં હેલ્પર તરીકે કામ કરે છે. જ્યારે સુભાષ ખેતીનું કામ કરે છે. અનુજ વિરુદ્ધ પહેલાથી જ ગુના નોંધાયેલા છે અને તે લોરેન્સ વિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે.


બંનેએ 15 માર્ચે પનવેલમાં બે ગન પહોંચાડી હતી. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પંજાબના બે લોકોની ધરપકડ કરી હતી જેમણે શૂટરોને ગન  આપી હતી. બંનેની ઓળખ થતાં પોલીસે સુરતની તાપી નદીમાંથી બે પિસ્તોલ, 4 મેગેઝીન અને 17 કારતૂસ કબજે કર્યા હતા. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું લૉરેન્સ બિશ્નોઈ ગેંગને ભારતની બહાર કાર્યરત રાષ્ટ્રવિરોધી તત્વો પાસેથી પૈસા કે હથિયારના રૂપમાં કોઈ પ્રકારની મદદ મળી નથી.


નોંધનીય છે કે 14 એપ્રિલની સવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. આ એપાર્ટમેન્ટમાં સલમાન ખાન રહે છે. આ કેસમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ આરોપી છે. માનવામાં આવે છે કે અનમોલ હાલમાં અમેરિકા અથવા કેનેડામાં છે. અનમોલે ફેસબુક પોસ્ટ દ્વારા ફાયરિંગની જવાબદારી લીધી હતી. જોકે, પોલીસનું કહેવું છે કે તેનું આઈપી એડ્રેસ પોર્ટુગલનું હોવાનું જાણવા મળ્યું છે.