મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ગઇકાલે પોતાના મુંબઇના બ્રાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી લીધી, આત્મહત્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયો તેમાં કેટલીક ખાસ મહત્વની માહિતી સામે આવી, એક્ટર છેલ્લા કેટલાય સમયથી તણાવ અને ડિપ્રેશનમાં હતો. જોકે, આ બધાની વચ્ચે હવે પોલીસને તપાસ દરમિયાન તેના ફોન કૉલની ડિટેલ મળી છે.


કેટલાંક રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે સુશાંતને તેના નોકરે સવારે સાડા નવ વાગે જ્યૂસ આપ્યો હતો. એક કલાક બાદ જ્યારે નોકરે ભોજન માટે પૂછ્યું તો એક્ટરે દરવાજો ખોલ્યો નહોતો. આ સમય દરમિયાન ઘરમાં ત્રણ લોકો જ હાજર હતાં. નોકર, ક્રિએટિવ મેનેજર તથા અન્ય એક વ્યક્તિ. ત્યારબાદ સુશાંતની બહેનને ફોન કરવામાં આવ્યો હતો. પછી ચાવીવાળાને બોલાવવામાં આવ્યો હતો.

અંદાજે ચાર કલાક બાદ આ લોકોની હાજરીમાં શબને ફંદા પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. રિપોર્ટના મતે, સાડા નવથી સાડા દસની વચ્ચે એટલે કે એક કલાકની અંદર જ સુશાંતે આત્મહત્યા કરી હતી.



સુશાંતની બૉડીને સૌ પહેલાં તેના નોકરે પંખા સાથે લટકતી હાલતમાં જોઈ હતી. પછી પોલીસને માહિતી આપી હતી. કહેવાય છે કે નોકરે દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દરવાજો તૂટ્યો નહીં તો એક્ટરના મેનેજરે ચાવીવાળાને બોલાવ્યો હતો. પછી દરવાજો ખોલવામાં આવ્યો હતો. પોલીસે ચાવીવાળાનું નિવેદન નોંધ્યું છે. સુશાંતે છેલ્લીવાર પોતાના મિત્રને કૉલ કર્યો હતો. તે કોણ હતું અને કૉલનો સમય શું હતો, તેની માહિતી પોલીસે આપી નથી.

અભિનેતાના પાર્થિવ દેહની આજે અંતિમ સંસ્કાર વિધિ મુંબઇમાં જ કરાશે. ગઇકાલે મુંબઇની કપૂર હોસ્પિટલમાં સુશાંતનો પાર્થિવ દેહ 4 વાગ્યે લાવવામા આવ્યો હતો. મોડી રાતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં પ્રાથમિક તબક્કે આત્મહત્યાની વાત સામે આવી છે. ડોક્ટર્સે તેના વાઇટલ ઓર્ગન્સને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલ મોકલ્યા છે. અહીં શરીરમાં કોઇ ડ્રગ્સ કે અન્ય ઝેરી પદાર્થની ઉપસ્થિતિ અંગે તપાસ કરવામા આવશે. અમુક રિપોર્ટ્સ અનુસાર સુશાંતના નવેમ્બરમાં લગ્ન કરવાનું પણ આયોજન હતું.