Golden Globe Awards 2023: એસએસ રાજામૌલીની ફિલ્મ RRR દુનિયા આખીમાં છવાઈ ગઈ છે. આ ફિલ્મના ગીત 'નાતુ નાતુ'એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજનલ સોંગનો ખિતાબ જીત્યો છે. જેને લઈને આરઆરઆર ફિલ્મની ટીમને અભિનંદન આપતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ એક એવું ટ્વિટ કર્યું છે, જેના પર ગાયક અદનાન સામી ખૂબ નારાજ થઈ ગયા છે. ટ્વીટનો જવાબ આપતાં તેમણે સીએમ પર આકરા પ્રહારો કર્યા હતા.


આંધ્ર પ્રદેશના સીએમએ કર્યું હતું આ ટ્વિટ 


આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ ટ્વીટ કર્યું હતું કે, 'તેલુગુ ધ્વજ ઊંચો લહેરાઈ રહ્યો છે. સમગ્ર આંધ્રપ્રદેશ વતી હું એમએમ કીરાવાણી, એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ અને આરઆરઆરની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. અમને તમારા પર ખૂબ ગર્વ છે. # GoldenGlobes2023'.


સીએમના ટ્વીટ પર અદનાન સામી થયા લાલઘુમ


જાણિતા સિંગર અદનાન સામીને સીએમ જગન મોહન રેડ્ડીની આ ટ્વીટ બિલકુલ પસંદ નથી પડી અને તેમણે જવાબ આપતા લખ્યું હતું કે - 'તેલુગુ ધ્વજ? તમારો મતલબ છે રાષ્ટ્રીય ધ્વજ? આપણે પહેલા ભારતીય છીએ. દેશના અન્ય ભાગોથી પોતાને અલગ કરવાનું બંધ કરો, આપણે એક દેશ છીએ. ખાસ કરીને આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે એક દેશ છીએ. આ અલગતાવાદી વલણ ખૂબ જ અનહેલ્દી છે જેવું કે આપણે તેને 1947માં જોયું હતું. આભાર, જય હિન્દ.'


ગયા વર્ષે રિલીઝ થઈ હતી 'RRR' 


ઉલ્લેખનીય છે કે, એસએસ રાજામૌલીની ફિલ્મ માર્ચ 2022માં રિલીઝ થઈ હતી. તેમાં જુનિયર એનટીઆરે કોમારામ ભીમની ભૂમિકા ભજવી હતી અને રામ ચરણે અલ્લુરી સીતારામ રાજુની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત અજય દેવગન અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. RRRએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધૂમ મચાવી છે અને બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. એસએસ રાજામૌલી અગાઉ બાહુબલી અને બાહુબલી 2 જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી ચૂક્યા છે.


Naatu Naatu Golden Globes 2023: PM મોદીએ 'નાતું નાતું' ગીતને ગોલ્ડન ગ્લોબ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન, ટ્વિટમાં લખ્યું- ‘આખા દેશને ગર્વ’


લોસ એન્જલસમાં 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ભારતથી દક્ષિણની ફિલ્મ 'RRR' એ ઈતિહાસ રચ્યો છે. ફિલ્મના 'નાતું નાતું' ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ફિલ્મની આ સિદ્ધિ પર આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે. બોલિવૂડને લઈને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઉજવણીનો માહોલ છે અને તમામ સેલેબ્સ ફિલ્મની આખી ટીમને અભિનંદન આપી રહ્યા છે. દેશના વડાપ્રધાન મોદીએ પણ 'RRR'ની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે અને ટીમને અભિનંદન પણ પાઠવ્યા છે.