Brad Pitt's birthday: હોલિવૂડમાં પોતાની જોરદાર એક્ટિંગથી પોતાનું નામ સુવર્ણ અક્ષરોથી લખનાર અભિનેતા બ્રાડ પિટ આજે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મના પડદા પર પોતાની અદ્દભૂત એક્ટિંગ અને મજબૂત સ્ક્રીન હાજરીથી લાખો લોકોના દિલ જીતનાર બ્રાડ પિટે તેની કારકિર્દીમાં એકથી એક જોરદાર ફિલ્મોમાં કામ કર્યું છે. યુએસએના ઓકાહોમામાં 18 ડિસેમ્બર, 1963ના રોજ જન્મેલા બ્રાડ પિટે 1987માં સાઈડ રોલ ભજવીને પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેતાને 1992માં રિલીઝ થયેલી ફિલ્મ 'અ રિવર રન થ્રુ ઈટ'થી નામના મળી હતી. આ પછી અભિનેતાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તેની કારકિર્દીના ગ્રાફમાં ઘણી શાનદાર ફિલ્મોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેની ફિલ્મોની સાથે સાથે અભિનેતા તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં છે. તેના જીવનમાં ઘણી અભિનેત્રીઓ આવી, પરંતુ બ્રાડ પિટનું દિલ બે અભિનેત્રીઓ માટે ધડક્યું હતું. આજે તેના જન્મદિવસના ખાસ અવસર પર અમે તમને તેમની લવ લાઈફનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.


બ્રાડ પહેલીવાર ફ્રેન્ડ્સ જેનિફર એનિસ્ટન સાથે પ્રેમમાં પડ્યો હતો


ફિલ્મોમાં આવતા પહેલા અભિનેતાએ ટેલિવિઝન પર ડલ્લાસ જેવા શોમાં કામ કર્યું હતું. બ્રાડ પિટ 1991માં આવેલી ફિલ્મ થેલમા એન્ડ લુઈસમાં સેક્સી ગુનેગારની નાની ભૂમિકા ભજવીને દર્શકોના ધ્યાન પર આવ્યો હતો. પરંતુ અભિનેતાની ખરી ખ્યાતિ વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ 'અ રિવર રન થ્રુ ઈટ'થી મળી હતી. ફિલ્મોમાં સફળ થયા પછી, 1994 માં, બ્રાડ પિટ પ્રથમ વખત પ્રખ્યાત સિટકોમ સીરિઝ 'ફ્રેન્ડ્સ'ની અભિનેત્રી જેનિફર એનિસ્ટનને મળ્યો. આ મુલાકાત પછી બંને એકબીજાના ખૂબ સારા મિત્રો બની ગયા અને બંનેએ આ મિત્રતાનો આ સંબંધ પૂરા ચાર વર્ષ સુધી ખૂબ જ નિષ્ઠાથી નિભાવ્યો. આ પછી બ્રાડ પિટ અને જેનિફરે તેમની મિત્રતાના સંબંધને નવું નામ આપવાનું વિચાર્યું અને વર્ષ 1998માં બંને પહેલીવાર ડેટ પર ગયા. આ મુલાકાત પછી બંનેની મુલાકાત વધી ગઈ અને વર્ષોથી ચાલી આવતી દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેની ખબર જ ના પડી.




એન્જેલીના જોલીની એન્ટ્રી અને જેનિફરથી છૂટાછેડા


બ્રાડ પિટ અને જેનિફરે પોતાના સંબંધોને મીડિયાથી છુપાવીને રાખ્યા હતા. જો કે, પછી એક દિવસ એવો આવ્યો જ્યારે બંનેએ આખી દુનિયાની સામે એકબીજાને ખુલ્લેઆમ સ્વીકારી લીધા. જેનિફર અને બ્રાડ પિટ 29 જુલાઈ, 2000ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. પરંતુ ત્રીજી વ્યક્તિની એન્ટ્રીએ તેમના સુખી લગ્ન જીવનમાં બધું બરબાદ કરી નાખ્યું. તે બીજું કોઈ નહીં પણ અભિનેત્રી એન્જેલીના જોલી હતી એન્જેલીનાએ વર્ષ 2005માં બ્રેટ પિટના જીવનમાં એન્ટ્રી કરી હતી.બંનેની મુલાકાત ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. પણ પછી બંનેની મુલાકાતનો સિલસિલો વધતો ગયો અને ધીમે ધીમે બંનેને એકબીજાની કંપની પસંદ આવવા લાગી. એન્જેલીનાની એન્ટ્રી બાદ બંને વચ્ચે મતભેદના અહેવાલો આવ્યા હતા અને અંતે બ્રાડ પિટ અને જેનિફર એનિસ્ટને વર્ષ 2005માં તેમના પાંચ વર્ષ જૂના સંબંધોને પૂરા કરવાનો નિર્ણય લીધો હતો.


વર્ષો સુધી ડેટિંગ તેમ છતાં એન્જેલીના સાથેના લગ્ન ટક્યાં નહી


જેનિફરના છૂટાછેડા પછી પણ એન્જેલિના અને બ્રાડ પિટે તેમના સંબંધોને સ્વીકાર્યા ન હતા, પરંતુ ઘણીવાર તેમની તસવીરો વાયરલ થવા લાગી અને વર્ષ 2006માં બંનેએ એક પુત્રીનું સ્વાગત કર્યું. આ પછી બંનેએ બાળકોને દત્તક લઈને પોતાનો પરિવાર વધાર્યો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2012માં સગાઈ કરી અને બે વર્ષ બાદ 2014માં બંનેએ લગ્ન કરી લીધા. બ્રાડ પિટના આ બીજા લગ્ન હતા, એન્જેલીના જોલીએ તેના જીવનમાં ત્રીજી વખત લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના બે વર્ષ પછી એટલે કે 2016માં, તેમના સંબંધોમાં તિરાડના અહેવાલો આવ્યા અને ત્યારબાદ એન્જેલિનાએ બ્રાડ પિટથી છૂટાછેડાની જાહેરાત કરી. અભિનેત્રીના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના સંબંધોમાં કંઈ બાકી નથી. બંને વચ્ચેના સંબંધોમાં હજુ પણ કડવાશ છે. બ્રાડ પિટ અને એન્જેલિના ઘણીવાર એકબીજા પર ગંભીર આરોપો લગાવે છે.