લખનઉ: ગંભીર રૂપથી બીમાર ટીવી કલાકાર અનુપમ શ્યામ ઓઝાની મદદ માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ આવ્યા છે. તેમણે સારવારમાં સંભવ દરેક મદદ માટે અધિકારીઓને આદેશ આપ્યા છે. સાથે જ મુખ્યમંત્રીએ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. ટીવી કલાકાર અનુપમ શ્યામ ઓઝા મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના છે. કિડનીની સમસ્યાના કારણે તેમની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, તેમની સારવાર મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.


ઉલ્લેખનીય છે કે મશહૂર ટીવી કલાકારને ડૉક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી છે. પરંતુ આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાના કારણે અનુપમ શ્યામ સારવાર કરાવવામાં અસમર્થ હતા. સોશિયલ મીડિયા પર તેમની બીમારીના સમાચાર વાયરલ થયા બાદ ઘણા નેતાઓ અને એક્ટર્સ મદદ માટે આગળ આવ્યા છે. ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રધુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાએ પણ તેમની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે.

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં જન્મેલા અને નાટકની દુનિયાથી અભિનયની શરૂઆત કરનારા અનુપમ શ્યામે 'હજારો ખ્વાઈશે એસી', 'પરઝાનિયા', 'લજ્જા', 'નાયક', 'દુબઈ રિટર્ન્સ', 'શક્તિઃ ધ પાવર', 'બેંડિટ ક્વીન', 'સ્લમડોગ મિલિયોનેર' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ટીવી સીરિયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા'માં તેણે ઠાકુર સજ્જન સિંહનો રોલ કર્યો હતો. જે માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો. અનુપમના સંબંધીઓનું કહેવું છે કે તેમની તબીયતમાં સુધારો થયો છે. તેમનેઆઈસીયૂમાંથી ડાયાલિસિસ માટે પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.