નવી દિલ્હીઃ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આજે બોલિવૂડ સિંગર કનિકા કપૂના પરિવારજનોએ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, રિપોર્ટમાં તેની ઉંમર અને જાતિ બંને ખોટી લખવામાં આવી છે. રિપોર્ટમાં ઉંમર 28 વર્ષ અને મહિલાના બદલે પુરુષ લખેલું છે.


પરિવારને શંકા છે રિપોર્ટ ખોટો પણ હોઇ શકે છે. કારણકે કનિકા જે લોકોના સંપર્કમાં આવી હતી તમામ લોકોના અત્યાર સુધીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કનિકાના પરિવારમાં આશરે 30 લોકોના સેંપલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા પરંતુ તેમાં એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.



કનિકા કપૂર 9 માર્ચે લંડનથી પરત ફરી હતી. તેણે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ ન કરાવ્યું હોવાનો આરોપ છે. જોકે કનિકાએ આરોપોને ફગાવી દીધા છે. હવે તેના પરિવારજનોએ પણ મેડિકલ રિપોર્ટ પર સવાલ ઉઠાવવાના શરૂ કર્યા છે.

લખનઉ પોલીસના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી સંક્રમિત કનિકાનો એરપોર્ટ પર જ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જે બાદ તેને ક્વોરેન્ટાઇનમાં રહેવા જણાવાયું હતું પરંતુ તેણે નિયમ તોડ્યો હતો. જે બદલ તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.