Aryan Khan Bail: અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન, મૉડલ મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટને બૉમ્બે હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી ત્રણેયને આજે જામીન મળી ગયા છે. આર્યન ખાન આ સમયે મુંબઇની આર્થર રૉડ જેલમાં બંધ છે. સુનાવણી દરમિયાન એનસીબીના વકીલ એડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે જામીનનો જોરદાર વિરોધ કર્યો. એનસીબીએ કહ્યું કે, આર્યન લગભગ બે વર્ષથી ડ્રગ્સનુ સેવન કરી રહ્યો છે અને કાવતારાનો ભાગ છે, ક્રૂઝ પર ડ્રગ્સની જાણકારી તેને હતી, આર્યનને જામીન નથી આપી શકાતા. 


આના પર કોર્ટે પુછ્યુ કે આર્યન પર ડ્રગ્સના વેપારના આરોપનો આધાર શું છે? આ સવાલ પર એનસીબીએ કહ્યું કે આર્યનની વૉટ્સએપ ચેટથી વાત સામે આવી છે. એનસીબીના દાવા પર આર્યન ખાન તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, એનસીબીને કાવતરાનો સબૂત આપવો જોઇએ. આર્યનને ન હતી ખબર કે તેના દોસ્તની પાસે ડ્રગ્સ છે. આર્યન ખાને કોઇ કાવતરુ ન હતુ કર્યુ. 


ઉલ્લેખનીય છે કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાને બે ઓક્ટોબરે એનસીબીની ટીમે ક્રૂઝમાં ધરપકડ કરી હતી. એનસીબીના ઝૉનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં ટીમે ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ. આના આરોપમાં આ લોકોને અટકાયત કરવામાં આવી હતી, અને પછીથી તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલામાં એનસીબીએ 20 લોકોની ધરપકડ કરી છે. આમાંથી બે લોકોને જામીન મળી ચૂક્યા છે. 


આર્યન ખાનની જામીન અરજી માટે ફરી એકવાર આજે સુનાવણી શરૂ થઇ હતી, ગઇકાલે લાંબી ચર્ચાઓ અને દલીલો બાદ પણ જામીન ન હતી મળી શક્યા, અને કોર્ટની કાર્યવાહીને મોકૂફ રાખવામાં આવી હતી. ગઇકાલે બૉમ્બે હાઇકોર્ટમાં બન્ને પક્ષોએ જોરદાર દલીલો રજૂ કરી હતી, પરંતુ આર્યનને જામીન ન હતી મળી શક્યા.