મુંબઈઃ જાણીતા કોમેડી શો “તારક મેહતા કા ઉલ્ટા....”માં દિશા વાકાણીની વાપસીની રાહ જોઈ રહેલ ફેન્સ માટે ખુશખબર છે. લાંબા સમય બાદ તારક મેહતા...ની દયાબેન શોમાં વાપસી કરવા જઈ રહી છે. અહેવાલ અનુસાર, દિશા વાકાણીએ શોમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. તે 18 મેથી તારક મેહતાના સેટ પર વાપસી કરશે. જોકે હાલમાં મેકર્સ તરફતી સત્તાવાર આ મામલે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.




મીડિયા અહેવાલ અનુસાર દિશા વાકાણી શોમાં વાપસી કરવા માટે તૈયાર થઈ છે. તાજેતરમાં દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલી ફિલ્મસથી સંકળાયેલ એક વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ હાલ દિશા વાકાણી શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીની ઇટલીથી પરત આવવાની રાહ જોઈ રહી છે. અહેવાલ અનુસાર દિશા વાકાણી 18મી મેથી શોની શૂટિંગ શરૂ કરશે.



ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી તારક મહેતા…શોમાં દિશા વાકાણીની રિએન્ટ્રીની અટકળો વહેતી થઈ છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેન્સ દિશા વાકાણીથી શોમાં વાપસીની અપીલ પણ કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી મેટરનિટી લીવ પર ગઈ હતી. પરંતુ અત્યાર સુધી તેઓ શોમાં પરત ફરી નથી. જ્યારે હવે 18મી મેથી દિશા શોમાં કમબેક કરશે કે નહીં તે જોવા જેવું રહેશે.