Salman Khan: બોલીવુડના દબંગ સલમાન ખાનને ફરી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. લૉરેંસ બિશ્નોઈના નામથી ધમકી મળી છે. ફેસબુક પર ધમકી આપતી પોસ્ટ કરવામાં આવી છે. સલમાન ખાનને ધમકી બાદ પોલીસ એલર્ટ પર છે અને સુરક્ષાની સમીક્ષા કરી હતી. સલમાન ખાનને Y શ્રેણીની સિક્યોરિટી મળી છે.


થોડા દિવસ પહેલા પંજાબા સિંગર-એક્ટર ગિપ્પી ગ્રેવાલના કેનેડા સ્થિત મકાન બહાર ફાયરિંગ થયું હતું. ફેસબુકપોસ્ટમાં ખુલાસો થયો છે કે આ ફાયરિંગ પાછળ લોરેન્સ બિશ્નોઈનો હાથ છે. બિશ્નોઈએ પોતે આની જવાબદારી લીધી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફેસબુક એકાઉન્ટ વિદેશથી ચલાવવામાં આવી રહ્યું છે. તે પોસ્ટમાં લખ્યું હતું કે, 'તમે સલમાન ખાનને તમારો ભાઈ માનો છો, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમારો ભાઈ આવીને તમને બચાવે. આ મેસેજ સલમાન ખાન માટે પણ છે. એવા ભ્રમમાં ન રહો કે તમારો ભાઈ તમને બચાવશે. તમને કોઈ બચાવી શકશે નહીં. સિદ્ધુ મૂઝવાલાના મૃત્યુ અંગેની તમારી નાટકીય પ્રતિક્રિયા કોઈનું ધ્યાન ગયું ન હતું, બધા જાણીએ છીએ કે તે કેવા પ્રકારનો વ્યક્તિ હતો અને તેના કેવા પ્રકારના ગુનાહિત સંપર્કો હતા. તમે હવે અમારા રડાર પર છો, આને ટ્રેલર માની લો, આખી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. તમે ઇચ્છો તે કોઈપણ દેશમાં ભાગી જાઓ, પરંતુ યાદ રાખો, મૃત્યુ માટે વિઝાની જરૂર નથી; તે બિનઆમંત્રિત આવે છે.


ગિપ્પી ગ્રેવાલના ઘરની બહાર ફાયરિંગ બાદ આ ફેસબુક પોસ્ટે સનસનાટી મચાવી દીધી છે. આ પોસ્ટમાં ગિપ્પી ગ્રેવાલ તેમજ સલમાન ખાન માટે ધમકીભર્યો સંદેશ છે. આ પહેલા પણ સિદ્ધુ મૂઝવાલાના મોત બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. જે બાદ તે એક્સ સિક્યુરિટીમાં રહેતો હતો. પરંતુ હવે ફેસબુક પર આ ધમકી મળ્યા બાદ પોલીસે તેમની સુરક્ષાની સમીક્ષા કરી અને તેમની સુરક્ષા વધારી દીધી.


સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' રિલીઝ થયાને 15થી વધુ દિવસ થઈ ગયા છે. આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર તેની કમાણીની ગતિ ધીમી થવા લાગી છે. ભલે આ ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો પરંતુ આ ફિલ્મ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પણ સ્પર્શી શકી નથી.