ગોવામાં મિલિંદ સોમન વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જન્મદિવસ પર ન્યૂડ થઈ દોડવાની તસવીર કરી હતી શેર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Nov 2020 09:41 AM (IST)
બોલીવૂડ અભિનેતા અને મોડલ મિલિંદ સોમન વિરૂદ્ધ ન્યૂડ ફોટોશૂટ કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફાઈલ તસવીર
બોલીવૂડ અભિનેતા અને મોડલ મિલિંદ સોમન વિરૂદ્ધ ન્યૂડ ફોટોશૂટ કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોવાના વાસ્કો પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. મિલંદ સોમન પર સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈ આઈટી એક્સ મુજબ આઈપીસી કલમ 294 અને 7 મુજબ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે 4 નવેમ્બરે પોતાના 55માં જન્મદિવસ પર મિલિંદ સોમને એક તસવીર શેર કરી હતી જેમાં તે ન્યૂડ થઈને દોડતા જોવા મળ્યા હતા. સોમને આ તસવીર સાથે હેપ્પી બર્થડે ટૂ મી કેપ્શન પણ લખ્યું હતું. ત્યારબાદ તેમની વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોવા સુરક્ષા મંચે આપી હતી ફરિયાદ મિલિંદ સોમનની તસવીર સામે આવ્યા બાદ ગોવાના ક્ષેત્રીય રાજકીય પક્ષ ગોવા સુરક્ષા મંચે વાસ્કો પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોતાની ફરિયાદમાં ગોવા સુરક્ષા મંચે આરોપ લગાવ્યો હતો કે સોમનના સોશિયલ મીડિયા પર ન્યૂડ તસવીર અપલોડ કરવાથી ગોવાની છબી અને સંસ્કૃતિનું અપમાન થયું છે. આ ફરિયાદના આધાર પર તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી પૂનમ પાંડેની થઈ હતી ધરપકડ ઉલ્લેખનીય છે કે અભિનેત્રી પૂનમ પાંડેની પણ ગુરૂવારે અશ્લીલતા ફેલાવવાના આરોપમાં ગોવા પોલીસે ધરપકડ કરી હતી. પૂનમ પાંડે પર આરોપ લાગ્યો હતો કે તેણે સરકાર સંપત્તિમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો અને અશ્લીલ વીડિયો શૂટ કર્યો. પૂનમ પાંડે વિરૂદ્ધ કાનકોના શહેરના ચાપોલી ડેમ પર શૂટિંગ દરમિયાન અશ્લીલતાને લઈ બુધવારે ફરિયાદ નોંધવવામાં આવી હતી. ડેમનું સંચાલન સંભાળતા જળ સંસાધન વિભાગે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં બે પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.