Grammy Award 2023: ગ્રેમી એવોર્ડ્સ 2023નું ભારતમાં આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ વખતે ગ્રેમી એવોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ એવોર્ડ શોમાં કેટલાક નવા એવોર્ડ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે જેમ કે સોંગ રાઈટર ઓફ ધ યર, વીડિયો ગેમ્સ માટે બેસ્ટ સ્કોર સાઉન્ડટ્રેક અને અન્ય ઘણી કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ  દરમિયાન ભારતના રિકી કેજે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેમને આ એવોર્ડ તેમના આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે આપવામાં આવ્યો છે.


રિકી કેજે ગ્રેમી એવોર્ડ જીત્યો


રિકી કેજનું આ આલ્બમ બેસ્ટ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં નોમિનેટ થયું હતું. તેણે પોતાનો એવોર્ડ બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે શેર કર્યો છે. કેટેગરીમાં અન્ય નોમિનીઝ ક્રિસ્ટિના જેન એરાબ્લૂમ (ચિત્રિંગ ધ ઇનવિઝિબલ - ફોકસ 1), એગ્યુલેરા (એગ્યુલેરા), ધ ચેઇન્સમોકર્સ (મેમરીઝ... ડો નોટ ઓપન), અને નિડારોસડોમેન્સ જેન્ટકોર અને ટ્રોન્ડહેઇમસોલસ્ટીન (ટુવાહ્યુન - બીટીટ્યુડ ફોર એ વાઉન્ડેડ વર્લ્ડ) છે.






ભારત દેશને સમર્પિત કર્યો એવોર્ડ 


આ ખુશી દરેક સાથે શેર કરતા રિકી કેજે પોતાના ટ્વિટર પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે પોતાના હાથમાં એવોર્ડ પકડેલો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ શેર કરતાં રિકીએ કેપ્શનમાં લખ્યું કે, મેં હમણાં જ ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. હું ખૂબ આભારી છું, હું આ એવોર્ડ ભારતને સમર્પિત કરું છું. ભારતીય સંગીતકાર રિકી કેજે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં તેનો બીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેણે રોક લિજેન્ડ સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે આ આલ્બમ માટે એવોર્ડ પણ જીત્યો હતો. 2015 માં તેણે વિન્ડ્સ ઓફ સંસાર માટે તેની પ્રથમ ગ્રેમી જીતી.


કોણ છે રિકી કેજ?


રિકી કેજે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર સહિત અનેક પ્રતિષ્ઠિત સ્થળો પર પ્રદર્શન કર્યું છે. અહેવાલો અનુસાર રિકીએ વિશ્વના 30 દેશોમાં કુલ 100 સંગીત એવોર્ડ જીત્યા છે. રિકીને તેના કામ માટે યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યુમેનિટેરિયન આર્ટિસ્ટ અને ભારતના યુથ આઈકન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. વર્ષ 2021માં રિલીઝ થયેલા તેમના લોકપ્રિય આલ્બમ 'ડિવાઇન ટાઈડ્સ'માં નવ ગીતો અને આઠ મ્યુઝિક વીડિયોનો સમાવેશ થાય છે.