ભારતના પ્રથમ ઓસ્કાર વિજેતા અને કોસ્ટ્યૂમ ડિઝાઈનર ભાનુ અથૈયાનું નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Oct 2020 06:49 PM (IST)
ભાનુ અથૈયા પ્રથમ એવા વ્યક્તિ હતા, જેમને આંતરરાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતા ઓસ્કાર(Oscar) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુંબઈ: કૉસ્ટ્યૂમ ડિઝાઈનર અને ભારતની પ્રથમ ઓસ્કાર (Oscar) વિજેતા ભાનુ અથૈયા (Bhanu Athaiya) નું નિધન થઈ ગયું છે. 91 વર્ષીય અથૈયા લાંબા સમયથી બિમાર હતા અને આજે તેમણે મુંબઈના કોલાબા સ્થિત ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભાનુ અથૈયા પ્રથમ એવા વ્યક્તિ હતા, જેમને આંતરરાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતા ઓસ્કાર(Oscar) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘ગાંધી’ માટે એક કોસ્ટ્યૂમ ડિઝાઈનર તરીકે તેમને જૉન મોલો સાથે સર્વશ્રેષ્ઠ કૉસ્ટ્યૂમ ડિઝાઈનરનો ઑસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને કુલ 8 ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિચર્ડ એન્ટનબરોની વિશ્વપ્રસિદ્ધ ફિલ્મ ‘ગાંધી’ 1982માં રિલીઝ થઈ હતી. ભાનુ અથૈયા (Bhanu Athaiya)ના પુત્રી રાધિકા ગુપ્તાએ એબીપી ન્યૂઝને પોતાના માતાના અવસાનની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે, માતાને 2012માં બ્રેન ટ્યૂમર થયું હતું પરંતુ તેમણે તે વખતે પોતાની બીમારીની સર્જરી કરવાનો ઈનકાર કરી દીધો હતો. એવામાં તે 2015માં લકવાનો શિકાર થઈ ગયા ત્યારથી જ ચલાવાની સ્થિતિમાં નહોતા.