Kangana Ranaut on Politics:  ક્યારેક પોતાના નિવેદનોથી તો ક્યારેક પોતાની ફિલ્મોને લઈને હંમેશા સમાચારોમાં રહેતી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે વૃંદાવનના ઠાકુર બાંકે બિહારી મંદિર પહોંચી હતી. અહીં મંદિરમાં તેમણે પૂજા પાઠ કરી અને બાંકે બિહારીના આશીર્વાદ લીધા. બીજી તરફ કંગનાના આવવાના સમાચાર ફેલાતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.


જે પાર્ટી રાષ્ટ્રવાદી હશે તેને સમર્થન આપીશઃ કંગના


આ દરમિયાન ત્યાં પહોંચેલા પત્રકારોએ કંગનાને પૂછ્યું કે તે ચૂંટણીમાં કઈ પાર્ટીને સમર્થન કરશે. તેના જવાબમાં કંગનાએ કહ્યું, "હું તેના માટે પ્રચાર કરીશ જે રાષ્ટ્રવાદી છે. હું કોઈ પક્ષ સાથે સંબંધ નથી રાખતી અને પ્રચારમાં તે જ પક્ષને સમર્થન આપીશ જે રાષ્ટ્રવાદી છે.”


જણાવી દઈએ કે પદ્મશ્રી અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો બાંકે બિહારીની મુલાકાતનો કાર્યક્રમ ગોપનીય હતો. જો કે ભીડ બેકાબૂ બની જતાં પોલીસે કંગના રનૌતની સુરક્ષા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.




કહેવામાં આવી રહ્યું છે કે કંગનાનો આ જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી ખૂબ જ નજીક છે. યુપીમાં આવનારી ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાની તાકાતથી પ્રચારમાં વ્યસ્ત છે.


એક રીતે ભાજપ યુપીમાં પોતાની સરકાર જાળવી રાખવા માટે પોતાના કામની વિગતો લોકો સમક્ષ રજૂ કરી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી અનેક નાના રાજકીય પક્ષોને સાથે લઈને સત્તામાં આવવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન અન્ય પક્ષો પણ આગામી ચૂંટણી માટે મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.