બેંગલુરૂ: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતિભાશાળી અભિનેતાઓમાંથી એક ચિરંજીવી સરજાનું આજે બપોરે નિધન થયું છે. તેઓ 39 વર્ષના હતા. રિપોર્ટ અનુસાર, અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ હતી અને તેમને બેંગલુરૂની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચિરંજીવી સરજાને હાર્ટ અટેક આવતા મોત થયું હતું.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિરંજીવી સરજાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હાર્ટ અટેક આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટૂંક સમયમાં ડૉક્ટરો દ્વારા નિવેદન જાહેર કરવામાં આવશે. તેમના નિધનના સમાચર સામે આવતા કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.



ચિરંજીવી સરજાએ 2009માં ફિલ્મ વાયુપુત્રથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. તેમણે 20થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ દક્ષિણ ભારતીય સ્ટાર અર્જુન સરજાના ભત્રીજા અને એક્શન રાજકુમાર ધ્રુવ સરજાના ભાઈ પણ છે.

ચિરંજીવી સરજાએ ચંદ્રલેખા, ઔતાર, ભારજારી, સેજિયર, અમ્મા આઈ લવ યૂ, સિંજંગા અને અન્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમને છેલ્લી વખત શિવાર્જુન નામની ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેઓ પોતાની આગામી ફિલ્મ માટે કામ કરી રહ્યા હતા.