પદ્માવતની જેમ હવે ફિલ્મ ‘વીરમદેવી’નો વિરોધ, સની લિયોનીને હટાવવાની માંગ, જાણો વિગત
પદ્માવતની રિલીઝ પહેલા રાજપૂત સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ફિલ્મ રાજપૂતોની ભાવનાઓને ઠેસ પહોંચાડતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં તેનું નામ બદલીને રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂર મુખ્ય રોલમાં હતા.
વીરમદેવી ફિલ્મ પદ્માવત અને બાહુબલીની જેવી પીરિયડ ફિલ્મ છે. તેમાં સની લિયોની એક યોદ્ધાના રૂપમાં જોવા મળશે. તેણે આ અંગે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, હું આ પીરિયડ ફિલ્મને સાઇન કરીને ખુશ છું. યુદ્ધ કૌશલ્ય, ઘોડેસવારી, તલવારબાજી અને ફાઇટિંગનો મોકો મળે તેમ હું પહેલાથી જ ઈચ્છતી હતી. દરેક એક્ટ્રેસ ભજવવા માંગે તેવું આ પાત્ર છે. સની લિયોનીની આ પ્રથમ સાઉથ ઈન્ડિયન ફિલ્મ છે.
મુંબઈઃ એડલ્ટ સ્ટારમાંથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોની ટૂંક સમયમાં જ તમિલ ફિલ્મ વીરમદેવીમાં નજરે પડશે. પરંતુ આ ફિલ્મનો અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે. કર્ણાટકના કેટલાક સંગઠનો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સની લિયોની વિરોધ કરી રહ્યા છે.
કન્નડ રક્ષના વેદિકે યુવા સેનાનું કહેવું છે કે, સનીનું આ ફિલ્મમાં હોવું એક ઐતિહાસિક પાત્રનું અપમાન છે. જો ફિલ્મને રોકવામાં નહીં આવે તો પદ્માવત જેવો વિરોધ કરવામાં આવશે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કેટલાક યુવાનો દ્વારા આ ફિલ્મના વિરોધમાં બ્લેડથી હથેળી પર ઘા કરવામાં આવ્યા છે.
સંગઠનના પ્રમુખ આર. હરીશે કહ્યું કે, આ ઠીક નથી. જેમણે હિન્દુ હિતોનું સંરક્ષણ કર્યું તેમનું ઐતિહાસિક પાત્ર સની લિયોની કેવી રીતે ભજવી શકે. સની લિયોનીની ઓળખ એડલ્ટ સ્ટાર તરીકેની છે. તેણે આવું પાત્ર ન ભજવવું જોઈએ. વીરમદેવી માત્ર કર્ણાટકમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. કર્ણાટકમાં તેના અનેક મંદિરો પણ છે.