Koffee With Karan: ફિલ્મમેકર કરણ જોહરે બુધવારે સવારે જાહેરાત કરી હતી કે તે પોતાના ચેટ શો કોફી વીથ કરણની નવી સીઝન સાથે નહીં આવે. આ જાહેરાત બાદ કોફી વીથ કરણ શોના ચાહકો ઘણા નિરાશ થયા હતા. કરણના આ ચેટ શોમાં બોલીવુડની સેલિબ્રીટીઓ આવે છે અને વાતચીત કરે છે સાથે જ મસ્તી પણ કરે છે. જો કે હવે આ શોના નિરાશ થયેલા ફેન્સ માટે હવે ખુશખબર આવી છે. કરણે પોતાના શોની સાતમી સીઝનની જાહેરાત કરી દીધી છે પરંતુ આ વખતે કોફી વીથ કરણ ટીવી પર નહી જોવા મળે.


કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેની નવી સીઝનની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા તેણે લખ્યું હતું કે, જરુરી જાહેરાત કરવી પડશે. આ સાથે કરણે જણાવ્યું કે, "કોફી વિથ કરણ સીઝન - 7 OTT પ્લેટફોર્મ પર આવવાની છે."


OTT પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમઃ
કરણે પોતાની પોસ્ટમાં લખ્યું- કોફી વિથ કરણ ટીવી પર કમબેક નથી કરી રહ્યો કારણ કે દરેક સારી વાર્તામાં ટ્વિસ્ટની જરૂર હોય છે. મને એ જણાવતા આનંદ થાય છે કે કોફી વિથ કરણની સીઝન 7 ફક્ત ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. ફિલ્મોના મોટા સ્ટાર્સ કાઉચ પર બેસીને કોફી પીતા-પીતા પોલ ખોલવાના છે. કરણે આગળ લખ્યું - ઘણી બધી રમતો હશે, ઘણી અફવાઓ પર વિરામ મુકવામાં આવશે અને લવ, લોસ વિશે વાતો થશે જે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ. કોફી વિથ કરણ ટૂંક સમયમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.




ચાહકો ઉત્સાહિત થયાઃ
કરણ જોહરની પોસ્ટ પર ઘણા સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે. ફરાહ ખાને ટિપ્પણી કરી - મને ખબર હતી. બીજી બાજુ, બી પ્રાકે ટિપ્પણી કરી – રાહ જોઈ શકતો નથી. આપને જણાવી દઈએ કે, આ પહેલાં કરણે પોસ્ટ શેર કરીને લખ્યું કે હું ભારે હૃદયથી કહું છું કે કોફી વિથ કરણ હવે પાછો નહી આવે. જે બાદ ચાહકો ચોંકી ગયા હતા. જો કે શો ટીવી પર નહી આવે પરંતુ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવશે.