Kiara Advani pregnancy: બોલિવૂડનું લોકપ્રિય યુગલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. લગ્નના બે વર્ષ બાદ આ ક્યૂટ કપલના જીવનમાં એક નવો સભ્ય ઉમેરાવા જઈ રહ્યો છે. કિયારા અને સિદ્ધાર્થે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આ આનંદના સમાચાર પોતાના ચાહકો સાથે વહેંચ્યા છે, જેના પગલે તેમના પ્રશંસકો અને શુભચિંતકો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
કપલે ઇન્સ્ટાગ્રામ પર ગર્ભાવસ્થાની જાહેરાત કરી
શુક્રવારે કિયારા અને સિદ્ધાર્થે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર સંયુક્ત પોસ્ટ શેર કરીને પોતાના પેરેન્ટ્સ બનવાની જાહેરાત કરી હતી. આ તસવીરમાં, કિયારા અને સિદ્ધાર્થનો હાથ એક નાનકડા બાળકના મોજાની જોડી પર જોવા મળે છે. આ ભાવુક તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું છે, "અમારા જીવનની સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે." આ જાહેરાત બાદ સમગ્ર બોલિવૂડ અને ફેન્સમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
‘શેરશાહ’ના સેટ પર પાંગર્યો પ્રેમ, 2023માં થયા લગ્ન
કિયારા અને સિદ્ધાર્થની લવ સ્ટોરીની શરૂઆત વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થે ભારતીય સેનાના શહીદ કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે કિયારાએ તેમની પ્રેમિકા ડિમ્પલ ચીમાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા અને પ્રેમ પાંગર્યો હતો. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ, આ જોડીએ 7 ફેબ્રુઆરી, 2023ના રોજ જેસલમેરના સુંદર સૂર્યગઢ પેલેસમાં પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં શાહી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી. હવે લગ્નના બે વર્ષ પછી કિયારા અને સિદ્ધાર્થ માતા-પિતા બનીને તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માટે ઉત્સાહિત છે.
કિયારા અને સિદ્ધાર્થનું વર્ક ફ્રન્ટ
જો કિયારા અને સિદ્ધાર્થના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કિયારા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ‘ડોન 3’માં જોવા મળશે. જ્યારે, સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં ‘પરમ સુંદરી’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે જ્હાન્વી કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં નજર આવશે. તેમના ચાહકો હવે ફિલ્મોની સાથે તેમના જીવનના આ નવા અને ખુશીઓથી ભરેલા તબક્કા માટે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો....
મારું બ્લાઉઝ ટાઈટ રાખજો... હેમા માલિનીએ અમિતાભ સાથે રોમાંસ માટે રાખી હતી આ શરત, જાણો કેમ