નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં મંગળવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના એક અનોખા સમર્થકે લોકોનું ખુબ ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બેટ્સમેન રોહિત શર્મા પણ આ ચાહકને મળવા માટે સ્પેશિયલ આવ્યાં હતાં. 87 વર્ષના ચારુલતા પટેલ તિરંગો લહેરાવતા અને સીટી વગાડતા જોવા મળ્યાં હતાં. તેમનો આ જુસ્સો જોઈને ક્રિકેટપ્રેમીઓ પણ ગેલમાં આવી ગયાં હતાં અને તેમણે આ દાદીમાને બીરદાવ્યા હતાં.



નોંધનીય છે કે, વડાપ્રધાન, વિરાટ કોહલી, ઉદ્યોગપતિ મહિન્દ્રા, રણવીરસિંહ, અનુષ્કમા શર્મા, બોમન ઈરાની સહિત અનેક દિગ્ગજોએ ચારુલતા પટેલની તસવીર શેર કરી હતી. 87 વર્ષીયે ચારૂલત્તાબહેન પટેલ ચરોતરના પેટલાદના સુણાવના રહેવાસી છે.



લંડનના ક્રોયડનમાં રહેતાં ચારૂલતાબહેન પટેલનો પુત્ર યોગીનભાઇ પટેલ વિદ્યાનગરમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં ગમેતે સ્થળે ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે મારી માતા ટીવી સામે ગોઠવાઇ જાય છે. ક્યાં વર્ષે કઇ ટીમ અને કયા બેટ્સમેન કેટલા રન કે બોલરની વિકેટો, પરિણામ સહિત તમામ મેચોની માહિતી ઉપલબ્ધ છે. હવે ફોન આવતા તે હવે ચોપડામાં લખતાં નથી.



યોગીનભાઈએ જણાવ્યું કે, દસ વર્ષ પહેલા થાપાનું હાડકું તુટી ગયું હોવાથી તેઓ વ્હીલચેરમાં ફરે છે. છતાં તેઓ ઇગ્લેન્ડના તમામ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે જાય છે. બર્મિંગહામમાં ટીમ ઇન્ડિયાને જોશ પુરૂપાડવા માટે લંડનથી રાત્રે 12 કલાકે કારમાં બેસીને પાંચ કલાકની મુસાફરી કરીને પહોચી ગયાં હતાં.



કેપ્ટન વિરાટ કોહલી પેવેલિયનમાં બેસીને મેચ નિહાળી રહ્યાં હતાં. ત્યારે લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન પીપુડુ વગાડીને ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારી રહેલા ચારૂલતાબેનને સ્ક્રીન પર જોયા હતાં. આથી કોહલી તેમની પાસે આવ્યો હતો. તેમની સાથે વાતો કરી હતી. ત્યારે ચારૂલતાબેને માથા પર હાથ મુકીને ભારતીય ટીમ વર્લ્ડકપ જીતે તેવા આર્શીવાદ આપ્યાં હતાં.