Lata Mangeshkar Funeral:  દેશની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. સ્વર કોકિલા તરીકે જાણીતા લતા મંગેશકરે 6 ફેબ્રુઆરી 2022ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું. શિવાજી પાર્કમાં લતા મંગેશકરને અંતિમ વિદાય આપવા સિને જગત સાથે જોડાયેલી તમામ હસ્તીઓ પહોંચી હતી. આ દરમિયાન બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. શાહરૂખ ખાન સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી. શાહરૂખ ખાને લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપતી વખતે ફાતિહાનું પઠન કર્યું અને પછી પ્રાર્થના કરીને વિધિ પૂર્ણ કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ટ્રોલ્સે આ વીડિયોનો ખોટો અર્થ લઈને ખરાબ કમેન્ટ કરી છે.


ભાજપના નેતા તથા હરિયાણા બીજેપીના આઈટી એન્ડ સોશિયલ મીડિયા હેડ અરૂણ યાદવે પણ આ વીડિયો શેર કરીને સવાલ કર્યો કે શું શાહરૂખ ખાન થૂંક્યો છે ? જેના પર જવાબ આપતાં એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે લખ્યું, શાહરૂખ તો દુઆ ફૂંકી રહ્યો છે, પણ આ નફરતી લોકોની માનસિકતા દેશની બહાર થૂંકવાને લાયક જ છે. સ્વરા ઉપરાંત કોંગ્રેસ નેતા શ્રીનિવાસને લખ્યું, બીજેપીમાં સામેલ તમામ નેતાગણ શું તમારા અંતરાત્માનો અવાજ જીવતો છે કે પછી તે પણ ભાડે મૂકીને આવ્યા છો.  કોઈના અંતિમ સંસ્કારમાં માનવતાની આવી ખૂબસુરત તસવીર પર ઝેરીલા વ્યંગનું સમર્થન કરીને તમે રાજનીતિને કયા સ્તર સુધી લઈ જશો ?




આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકોએ બિનજરૂરી રીતે શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું છે. ટ્રોલ્સ પણ તેમને થૂંકવાનું કહીને ફૂંક મારી રહ્યા છે. જોકે ઘણા લોકોએ શાહરૂખના સમર્થનમાં પોસ્ટ કરી છે. આ સાથે ટ્રોલ્સને એવો જવાબ પણ આપવામાં આવ્યો છે કે આ પ્રાર્થનાને વાંચ્યા પછી ફૂંકાય છે. શાહરૂખ ખાનના ચાહકોએ ટ્રોલ્સને આ વીડિયો ફરી એકવાર જોવાની સલાહ આપી છે.


બોલિવૂડની ઘણી હસ્તીઓ લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ન હતી. આ યાદીમાં સલમાન ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અજય દેવગન, કાજોલ, જિતેન્દ્ર, હેમા માલિની, ધર્મેન્દ્ર સહિત ઘણા લોકોના નામ સામેલ છે. જોકે, આ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.