Trending News: આપણે અવારનવાર અનેક માર્ગ અકસ્માતોમાં માણસો સિવાય વન્ય પ્રાણીઓને ઈજા થતા જોયા છે. ઘણી વખત ફુલ સ્પિડમાં જતા વાહનોની ટક્કરથી પશુઓ ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. દેશમાં આવા ઘણા નેશનલ હાઈવે છે જે જંગલોમાંથી પસાર થાય છે, આવી સ્થિતિમાં, વાહનોની અડફેટે વન્ય પ્રાણીઓના કારણે મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે.


તાજેતરમાં, આવી જ એક ઘટના જોવા મળી હતી જ્યારે એક દીપડો કારની ટક્કરથી ઘાયલ થયો હતો. કાર સાથે અથડાયા બાદ દીપડો દૂર ફંગોળાવાને બદલે કારના આગળના ભાગમાં ખતરનાક રીતે ફસાઈ ગયો હતો. આ ચોંકાવનારા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, કારના આગળના ભાગમાં ફસાયા બાદ દીપડો દર્દથી પીડાઈ રહ્યો છે.


IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે અને સાથે જ અકસ્માતમાં ઘાયલ થયેલા દીપડા વિશે અપડેટ આપ્યું છે. અન્ય એક વીડિયોમાં અકસ્માતમાં ઘાયલ થયા બાદ પણ કારના બોનેટના ભાગમાંથી મુક્ત થતાં જ દીપડો જંગલમાં ભાગતો જોવા મળે છે. વીડિયો જોઈને યુઝર્સના રુંવાડા ઉભા થઈ ગયા હતા.






હાલમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દીપડો રોડ અકસ્માત બાદ કારના આગળના ભાગમાં ફસાયેલો જોવા મળે છે. કાર ચાલક ખૂબ જ સાવધાનીપૂર્વક દીપડાને બચાવવા માટે પોતાની કારને આગળ-પાછળ ખસેડતો જોવા મળે છે. જેના કારણે દીપડો કારમાંથી છૂટો પડે છે અને પછી જંગલ તરફ ભાગી જાય છે.