વિજય દેવરકોંડા સ્ટારર ફિલ્મ 'લાઈગર' થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી. મોટા બજેટની આ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. વિજય દેવરકોંડા સહિત તેના ચાહકો આનાથી ખૂબ જ નિરાશ થયા હતા. જો કે હવે અહેવાલ છે કે તેના નિર્માતા અને નિર્દેશક ફિલ્મને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે ડિરેક્ટર પુરી જગન્નાધ અને નિર્માતા ચાર્મી કૌરને ફંડિંગ અંગે પૂછપરછ કરી હતી. લગભગ 12 કલાક સુધી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી.


બ્લેક મનીનો ઉપયોગ થયાની શંકા


અહેવાલો અનુસાર ફિલ્મ બનાવવા માટે વિદેશી ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે 1999ના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું ઉલ્લંઘન છે. EDએ પુરી અને ચાર્મીને તેમના રોકાણકારોની ઓળખની પુષ્ટિ કરવા માટે સમન્સ પાઠવ્યા છે. એક સુત્રએ જણાવ્યું કે EDના અધિકારીઓ ફિલ્મને ફંડ આપનાર કંપની અથવા વ્યક્તિઓનું નામ જાણવા માગતા હતા. તેઓ માને છે કે ફિલ્મ બનાવવા માટે વિદેશી નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓ તપાસ કરી રહ્યા છે કે શું ભંડોળ દ્વારા FEMAનું ઉલ્લંઘન થયું છે.


સૂત્રએ જણાવ્યું કે ફિલ્મના નિર્માતા અને નિર્દેશકની લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અન્ય અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક રાજકારણીઓએ તેમના કાળા નાણાને ફિલ્મના ભંડોળમાં રોકાણ કર્યું હતું.


દર્શકોએ ફિલ્મને નકારી કાઢી


વિજય દેવેરાકોંડા ઉપરાંત 'લાઈગર'માં અનન્યા પાંડે, રામ્યા કૃષ્ણન અને રોનિત રોય મુખ્ય ભૂમિકામાં હતા. કરણ જોહરે હિન્દીમાં ફિલ્મ રજૂ કરી હતી. વિજયે પણ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પાન ઈન્ડિયા ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું હતું. જોકે ફિલ્મ થિયેટરોમાં કઈ ખાસ પ્રદર્શન કરી શકી ના હતી.