સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ: NCBએ દાખલ કરી ચાર્જશીટ, રિયા ચક્રવર્તીનું કનેકશન આવ્યું સામે, વધી શકે છે એક્ટ્રેસની મુશ્કેલી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Mar 2021 02:12 PM (IST)
સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.. આ ચાર્જશીટ 12000થી પણ વધુ પેજની છે. ચાર્જશીટમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ છે. રિયા ચક્રવર્તી સાથે અન્ય 33 લોકોના નામ પણ સામે આવ્યાં છે.
સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કનેકશન મામલે એનસીબીએ કોર્ટમાં ચાર્જ સીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી ઉપરાંત તેમની નજીકના અનેક લોકો અને ડ્રગ્સ પેડલર્સના નામ પણ આરોપી તરીકે સામેલ છે. રજૂ થયેલી ચાર્જશીટમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદન પણ સામેલ છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ત્રણ મહિના બાદ એનસીબી ફરી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ રજૂ કરી શકે છે. જેમાં ત્રણેય અભિનેત્રી સારા, દીપિકા અને શ્રદ્ધા કપૂરના નામ સામેલ હોઇ શકે છે. ઉલ્લેખનિય છે કે,અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ લટકતી હાલતમાં ગત વર્ષે 14 જૂનના રોજ તેમના નિવાસસ્થાનેથી મળ્યો હતો. સુશાંત સિંહને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપસર રિયા સામે ફરિયાદ નોંધાઇ હતી, ત્યારબાદ તપાસ દરમિયાન બોલિવૂડનું ડ્રગ્સ કનેકશન પણ સામે આવ્યું હતું અન દીપિકા, સારા અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરવામાં આવી હતી. રિયા ચક્રવર્તીની સીબીઆઈ ઉપરાંત ઈડી અને એનસીબીએ લાંબી પૂછપરછ કરી હતી. આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને એનસીબીએ સપ્ટેમ્બરમાં ધરપકડ કરી હતી. લગભગ એક મહિનો જેલમાં રહ્યા બાદ રિયાને જામીન મળ્યા હતા. હજું પણ કેસની તપાસ ચાલી રહી છે.