મુંબઈઃ એકટર સોનુ સૂદે લોકડાઉનમાં અસંખ્ય પ્રવાસી મજૂરોને બસ દ્વારા તેમના ઘરે મોકલ્યા હતા. જેને લઈ તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. હવે તેનાથી એક ડગલું આગળ વધીને તેણે એર એશિયા ઈન્ડિયાના વિમાન દ્વાર મુંબઈથી 173 શ્રમિકોને તેમના ઘર ઉત્તરાખંડ મોકલ્યા છે.

એર એશિયા ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, એરબસ એ320 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી શુક્વારે બપોરે એક કલાક 57 મિનિટે 173 પ્રવાસી શ્રમિકોને લઈ રવાના થઈ હતી. સાંજે 4.41 મિનિટે દેહરાદૂનના જોલી ગ્રાંટ એરપોર્ટ પર ઉતરી હતી.

જે બાદ સોનુ સૂદે કહ્યું, વધુ એક ચાર્ટર્ડ પ્લેન ઉડાન ભરવાની સાથે દેશના વિવિધ હિસ્સામાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોની મદદ કરવાની અમારી કોશિશ વધુ મજબૂત થઈ છે. તેમાંથી મોટાભાગના લોકોને ક્યારેય વિમાન યાત્રા કરવાનો મોકો મળ્યો નહોતો અને પોતાના ઘર-પરિવાર સુધી પહોંચવા જ્યારે એર એશિયા ઈન્ડિયાના વિમાનમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે તેમના ચહેરાની ખુશી જોવા લાયક હતી.

આ પહેલા સોનુ સૂદે કેરળમાં ફસાયેલી 167 પ્રવાસી મહિલા શ્રમિકોને ચાર્ટર્ડ પ્લેનથી ઓડિશા મોકલી હતી. આ તમામ મહિલાઓ કોચ્ચિની એકફેક્ટરીમાં સિલાઈ કામ કરતી હતી. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં તેમની ફેક્ટરી બંધ થઈ ગઈ હતી.