orry summon: મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા ₹252 કરોડના હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. ડ્રગ પેડલર દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસે ઓરીને 20 November, 2025 ના રોજ સવારે 10 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો છે. આ કેસમાં બોલિવૂડની અનેક હસ્તીઓના નામ પણ સામે આવ્યા છે, જેના કારણે ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, અભિનેત્રી નોરા ફતેહીએ આ મામલે તાત્કાલિક સ્પષ્ટતા કરી છે.
ઓરીને પોલીસનું તેડું: ઘાટકોપર યુનિટમાં હાજરી આપવી પડશે
બોલિવૂડ સ્ટાર્સનો માનીતો મિત્ર ગણાતો ઓરી હવે કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટ દ્વારા તેને નોટિસ મોકલવામાં આવી છે અને આવતીકાલે સવારે 10 વાગ્યે તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી મુખ્ય આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખની ધરપકડ બાદ કરવામાં આવી છે. સલીમની પૂછપરછ દરમિયાન અનેક સેલિબ્રિટીઝના નામ ખૂલ્યા હતા, જેમાં ઓરીનું નામ પણ સામેલ હોવાથી તેની પૂછપરછ અનિવાર્ય બની છે.
ડ્રગ્સ પાર્ટી અને સેલિબ્રિટી કનેક્શન
પકડાયેલા આરોપી સલીમે પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે તે ભારત અને વિદેશમાં ડ્રગ્સ પાર્ટીઓનું આયોજન કરતો હતો અને ત્યાં માદક દ્રવ્યોનો જથ્થો પણ પૂરો પાડતો હતો. આરોપીના દાવા મુજબ, તેણે ભૂતકાળમાં નોરા ફતેહી, શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ કપૂર, ઝીશાન સિદ્દીકી, અબ્બાસ મસ્તાન, સિંગર લોકા અને ઓરી જેવા જાણીતા ચહેરાઓ સાથે પાર્ટીઓ યોજી હતી. આરોપી પોતે પણ વ્યક્તિગત રીતે આ હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં હાજરી આપતો હતો. હવે પોલીસ આ દાવાઓની સત્યતા ચકાસવા માટે તપાસ કરી રહી છે.
નોરા ફતેહીનો આક્રોશ: "હું આવી પાર્ટીઓમાં જતી નથી"
ડ્રગ્સ કેસમાં નામ ઉછળતા જ નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા તેણે સ્પષ્ટતા કરી છે કે, "તમારી જાણકારી માટે, હું આવી કોઈ પાર્ટીઓમાં જતી નથી. હું મારું ધ્યાન સતત કામ પર રાખું છું અને મારું કોઈ આવું વિવાદાસ્પદ અંગત જીવન નથી. હું આવા લોકો સાથે ક્યારેય જોડાઈ નથી." તેણે વધુમાં કહ્યું કે તે જ્યારે ફ્રી હોય ત્યારે દુબઈમાં પોતાના ઘરે અથવા નજીકના મિત્રો સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે.
"મારું નામ ઈઝી ટાર્ગેટ છે"
નોરાએ મીડિયા અને ટીકાકારોને ચેતવણી આપતા લખ્યું છે કે, "મને લાગે છે કે મારું નામ એક સરળ લક્ષ્ય (Easy Target) બની ગયું છે. ભૂતકાળમાં પણ લોકોએ મને બદનામ કરવા જૂઠાણા ફેલાવ્યા હતા ત્યારે હું ચૂપ રહી હતી, પરંતુ હવે હું આવું થવા દઈશ નહીં." તેણે કડક શબ્દોમાં કહ્યું કે જે બાબતો સાથે તેને કોઈ લેવાદેવા નથી, ત્યાં તેના નામ કે ફોટાનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે.