નવી દિલ્હીઃ પાકિસ્તાનના એક્ટર હમજા અલી અબ્બાસીએ ટ્વીટ કરીને કહ્યું કે, તે આઈએસઆઈ એજન્ટ છે. આ એક્ટરને લઈને એક ભારતીય ચેનલ ઘણાં સમયથી દાવો કરી રહી હતી કે તે આઈએસઆઈનો અંડરકવર એજન્ટ છે.


પાકિસ્તાની કલાકાર હમજા અલી અબ્બાસીએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર ટ્વીટ કરી, ભારતીય ચેનલ પર આકરા પ્રહાર કરતા હમજાએ આ પોસ્ટમાં લખ્યું, ‘એક ભારતીય ચેનલનો દાવો છે કે હું આઇએસઆઇનો અંડર કવર એજન્ટ છું, આ યોગ્ય નથી. હું અંડર કવર નહીં પરંતુ પૂર્ણ રીતે અને ગર્વની સાથે આઇએસઆઇ એજન્ટ છું. હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે હું જ નહીં પરંતુ દેશના દરેક 20 કરોડ લોકો આઇએસઆઇ એજન્ટ છે.’


હમજાના આ ટ્વીટ પર તેને તાબડતોડ પ્રતિક્રિયાઓ મળી રહી છે. તેની સાથે જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હમજા પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના નજીકના માણસ છે. હમજાના ટ્વીટ પર ઘણાં લોકો તેને સપોર્ટ કરતાં જોવા મળી રહ્યા છે તો ઘણાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ મામલા પર હમજાના ટ્વીટનો સિલસિલો હાલ રોકાયો નથી, અબ્બાસી ઇમરાનની પાર્ટી પીટીઆઇની ચૂંટણી રેલીઓમાં નજરે પડી ચૂક્યા છે. જે બાદ તેને આઇએસઆઇ એજન્ટ હોવાની ખબર જણાવી છે.

અબ્બાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને કાશ્મીર મુદ્દે ઘણી વિવાદીત ટ્વીટ કરીને ચર્ચામાં આવી ગયો છે. તેણે થોડાક દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરીને આરએસએસ અને બીજેપીની વિચારધારા પર ઘણા ટ્વીટ કર્યા હતા.