Pradeep Sarkar Death: બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત નિર્દેશક પ્રદીપ સરકારનું 67 વર્ષની વયે નિધન થયું છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત સૈફ અલી ખાન અને વિદ્યા બાલનની ફિલ્મ પરિણીતાથી કરી હતી. તેના મિત્ર હંસલ મહેતાએ આ માહિતી શેર કરી છે.


પ્રદીપ સરકારના નિધનથી બોલિવૂડમાં શોક


ફિલ્મ નિર્દેશકે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સ અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ઘટી ગયું હતું. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જો કે તે દરમિયાન ડિરેક્ટરનું મૃત્યુ થઈ ગયું હતું. ફિલ્મ નિર્માતાના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ  છે. આ દુઃખદ સમાચાર શેર કરતાં પ્રદીપના મિત્ર હંસલ મહેતાએ લખ્યું – પ્રદીપ સરકાર દાદા, RIP. આ સિવાય એક્ટર મનોજ બાજપેયીએ પ્રદીપનો ફોટો શેર કર્યો અને લખ્યું- ઓહઆ ખૂબ જ શોકિંગ છે. RIP દાદા.






ખૂબ ઓછી ફિલ્મો કરી પરંતુ પ્રદીપ સરકારે વાહવાહી ખૂબ મેળવી


પ્રદીપ સરકારે વર્ષ 2005માં પરિણીતા સાથે ડાયરેક્શનની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે 2007ની ફિલ્મ લગા ચુનરી મેં દાગ, 2010ની ફિલ્મ લફંગે પરંદે, 2014ની ફિલ્મ મર્દાની અને 2018ની ફિલ્મ હેલિકોપ્ટર ઈલાનું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યું હતું. પ્રદીપે પોતાના કરિયરમાં ઓછી ફિલ્મો કરી પરંતુ તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી. તે વેબ સિરીઝની દુનિયામાં પણ સક્રિય હતા. તેમણે ફોરબિડન લવ અને દુરંગા જેવી વેબ સિરીઝ પણ બનાવી હતી.




અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા


પ્રદીપને તેના શાનદાર કામ માટે ઘણા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમને ફિલ્મફેર એવોર્ડ અને ઝી સિને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમને બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ માટે ઈન્દિરા ગાંધી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પ્રદીપના નિધનથી ઘણા કલાકારો શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કામ તેમની ફિલ્મો દ્વારા હંમેશા યાદ રાખવામાં આવશે.